સંજય રાઉત સામે નાસિકમાં કેસ દાખલ: મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ગંભીર આરોપ લગાવ્યા હતા

મુંબઈ,

શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરિયાદના આધાર પર પંચવટી પોલીસે સંજય રાઉત વિરુદ્ધ આઈપીસીની કલમ ૫૦૦ હેઠળ કેસ દાખલ કર્યો છે.

૧૯ ફેબ્રુઆરીના રોજ સંજય રાઉતે દાવો કર્યો હતો કે, શિવસેના પાર્ટીનું નામ અને તીર-ધનુષનું પ્રતીક ખરીદવા માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. આ અગાઉ જ ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે જાહેર કર્યું હતું અને તેને ધનુષ અને તીરનું ચૂંટણી પ્રતીક ફાળવ્યું હતું.

જો કે, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથના ધારાસભ્ય સદા સરવણકરે રાઉતના દાવાને નકારી કાઢ્યો હતો અને પ્રશ્ર્ન કર્યો હતો કે, શું સંજય રાઉત ખજાનચી છે? મહારાષ્ટ્રના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુધીર મુનગંટીવારે રાઉત પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસમાં આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.