શિવસેનાના સાંસદ સંજય રાઉતને 15 દિવસની જેલ:માનહાનિના કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યા, 25 હજારનો દંડ પણ ફટકાર્યો

મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાનાં પત્ની ડૉ મેધા સોમૈયા દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસમાં આ મામલે સુનાવણી કરી હતી. શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા ફટકારવામાં આવી છે. કોર્ટે રાઉતને 15 દિવસની જેલની સજા ફટકારી છે. સાથે 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે.

રાઉતને ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. મુંબઈની રૂઈયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર મેધાએ રાઉત સામે કલમ 499 (કોઈપણ પ્રકારના આરોપ લગાવવા અથવા પ્રકાશિત કરવા) અને 500 (માનહાનિ) હેઠળ કેસ કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. રાઉતે તેમના પર અને તેમના એનજીઓ યુવા પ્રતિષ્ઠાન પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યા હતા.

સોમૈયાએ એડવોકેટ વિવેકાનંદ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહ્યું છે કે 15 એપ્રિલ, 2022 અને ત્યાર બાદ રાઉતે મીડિયામાં તેમની વિરુદ્ધ અયોગ્ય નિવેદનો આપ્યાં હતાં. આ નિવેદનો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતા માટે પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યાં હતાં. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ અયોગ્ય નિવેદનો તે જ દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાઇરલ થયાં હતાં અને મોટી સંખ્યામાં લોકોએ વાંચ્યાં અને સાંભળ્યાં હતાં.

સંજય રાઉતે કિરીટ સોમૈયા અને તેમનાં પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાઉતે કહ્યું હતું કે કિરીટ સોમૈયાએ પત્નીની મદદથી 100 કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ આચર્યું હતું. આ અંગે કિરીટ સોમૈયાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સંજય રાઉત કોઈ પુરાવા આપશે તો જ જવાબ આપશે.