‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હિટ રહ્યા બાદ સંજય લીલા ભણસાલી ટૂંક સમયમાં મોર્ડન લવ સ્ટોરી પરની ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મના કાસ્ટિંગની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ આ ફિલ્મમાં લીડ રોલમાં છે
પિંકવિલાના હાલના રિપોર્ટ અનુસાર, સંજય લીલા તેમની આગામી લવ સ્ટોરી ફિલ્મમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટને કાસ્ટ કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી મોર્ડન લવ સ્ટોરીને પડદા પર લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં કામ કરી ચૂકી છે. આવી સ્થિતિમાં જ્યારે સંજય લીલા ભણસાલીએ તેમને ફિલ્મની ઑફર કરી તો તે તરત જ રાજી થઈ ગઈ હતી. તેમણે આ ફિલ્મ સાઈન કરી છે. બીજી તરફ રણબીર કપૂરે હજુ સુધી આ ફિલ્મ માટે પોતાની સંમતિ આપી નથી. જો કે રિપોર્ટ્સનું માનીએ તો તેમને પણ સ્ક્રિપ્ટ પસંદ આવી હતી. સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ બે કપલની લવ સ્ટોરી હશે.
આ પહેલાં સંજય લીલા ભણસાલી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ બનાવવા જઈ રહ્યા હતા. તે આ ફિલ્મમાં શાહરુખ ખાનને કાસ્ટ કરવાની તૈયારી કરતા હતા, પરંતુ હવે તેમણે આ ફિલ્મ થોડા સમય માટે અટકાવી દીધી છે. ‘ઇન્શાઅલ્લાહ’ ઉપરાંત સંજય લીલા ભણસાલી રણવીર સિંહ સાથે ‘બૈજુ બાવરા’ ફિલ્મ પણ બનાવવા માગતા હતા, પરંતુ તે ફિલ્મ પણ મોકૂફ રાખવામાં આવી છે. એવા અહેવાલો હતા કે બૈજુ બાવરા ફિલ્મમાં દીપિકા પાદુકોણને સાઈન કરવામાં આવનાર છે, પરંતુ રણવીરે સમાન ફીની માંગણી કરતાં તેની જગ્યાએ આલિયા ભટ્ટને કાસ્ટ કરવામાં આવી હતી.
સંજય સાથે આલિયા અને રણબીરની આ બીજી ફિલ્મ હશે. આલિયાએ તેમની સાથે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં કામ કર્યું છે, જ્યારે રણબીરે તેમની ફિલ્મ ‘સાંવરિયા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પહેલીવાર હશે જ્યારે વિકી તેની સાથે કામ કરશે.
આ સિવાય સંજય લીલા ભણસાલી નેટફ્લિક્સ માટે ‘હીરામંડી’ સિરીઝ પણ બનાવી રહ્યા છે. તેની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (2022) છે.