
મુંબઇ, બોલિવૂડના પ્રિય અભિનેતાઓમાંના એક સંજય દત્તને પડદા પર જોવા માટે જનતા હંમેશા ઉત્સાહિત હોય છે. સાઉથના ઘણા મોટા પ્રોજેક્ટનો હિસ્સો બની રહેલો સંજય હાલમાં જ તેલુગુ ફિલ્મ ’ડબલ ઈસ્માર્ટ’ના ટીઝરમાં જોવા મળ્યો હતો. ટીઝરમાં આ ફિલ્મમાં વિલનનો રોલ કરી રહેલા સંજયનો લુક દર્શકોને પસંદ આવ્યો છે.તે આ વર્ષની સૌથી મોટી બોલિવૂડ ફિલ્મ ’વેલકમ ટુ ધ જંગલ’થી દૂર થઈ ગયો છે. ગયા વર્ષે જ સંજય અક્ષય કુમારની આ મલ્ટિસ્ટારર ફિલ્મ સાથે જોડાયો હતો.

અક્ષય કુમારની ’વેલકમ’ બોલિવૂડની આઇકોનિક કોમેડી ફિલ્મોમાંથી એક છે. હવે આ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ બનાવવામાં આવી રહ્યો છે, જે એક મોટો મલ્ટી સ્ટારર પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં અક્ષય સાથે બોલિવૂડના ઘણા મોટા નામ જોવા મળવાના છે અને તેમાં સંજય દત્તનું નામ પણ હતું.
હવે સૂત્રોના રિપોર્ટ અનુસાર સંજય દત્તે આ ફિલ્મ છોડી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તબિયતના કારણે સંજયે આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, સંજયે અક્ષયને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું.પરંતુ તેણે મડ આઇલેન્ડમાં માત્ર એક જ દિવસ માટે શૂટિંગ કર્યું હતું. સૂત્રએ જણાવ્યું કે સંજયના પાત્રને ફિલ્મમાં ઘણી બધી એક્શન સિક્વન્સ કરવાની હતી, તેથી તેની તબિયતને યાનમાં રાખીને સંજયે ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો.
ડિસેમ્બર ૨૦૨૩માં અક્ષય કુમારે ’વેલકમ ટુ ધ જંગલ’ની કાસ્ટમાં સંજય દત્તની એન્ટ્રીની જાહેરાત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના શૂટનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે હોર્સ રીડિંગ કરતો જોવા મળ્યો હતો. સંજય દત્ત તેની પાછળ બાઇક પર આવતો જોવા મળ્યો હતો.
પોતાની પોસ્ટના કેપ્શનમાં અક્ષયે લખ્યું હતું કે, ’કેવો સુંદર સંયોગ છે કે, આજે જ્યારે અમે આ ફ્રેન્ચાઈઝીના ૧૬ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું તેના ત્રીજા ભાગ ’વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરી રહ્યો છું. અને આમાં સંજુ બાબાનું સ્વાગત કરવું ખૂબ જ અદ્ભુત છે. તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે?’