સંઘ બદનક્ષી કેસમાં હાજર નહિ રહેતાં જાવેદ અખ્તરને ફરી સમન્સ

મુંબઈ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સામે કથિત વાંધાજનક નિવેદન બદલ વકિલે કરેલા ફોજદારી કેસ સંબંધે બોલીવુડ ગીતકાર જાવેદ અખ્તરે સમન્સને પગલે આજે મુંલુંડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજરી આપી નહોતી. આથી કોર્ટે નવેસરથી સમન્સ જારી કર્યા છે. અને તેમને હવે ૨૦ જૂન ૨૦૨૦ના રોજ હાજર રહેવા જણાવાયું છે.

તાલિબાનને આરએસએસ સાથે સરખાવવા બદલ અખ્તર સામે કેસ નોંધાયો હતો. ૨૦૨૧માં એક ન્યુઝ પોર્ટલને આપેલી મુલાકાતમાં આ નિવેદન કર્યું હતું. મુંબઈ સ્થિત વકિલ સંતોષ દુબેએ અખ્તરને રૃ. ૧૦૦ કરોડની બદનક્ષી કરતી નોટિસ મોકલાવીને આરોપ કર્યો હતો કે તેમના નિવેદન ખોટા અને બદનક્ષી કરનારા છે અને આરએસએસની પ્રતિમા અને શાનને નુક્સાન કરનારા છે. દુબેએ અખ્તરને બિનશરતી માફી માગવાનું જણાવ્યું હતું.

મેજિસ્ટ્રેટ કોર્ટ જારી કરેલા સમન્સને અખ્તરે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. કેસની સુનાવણીમાં અખ્તરના વકિલે દલીલ કરી હતી કે અરજદાર સંતોષ દુબેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી કેસ દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. સેશન્સ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે કોર્ટે અખ્તર સામેનું સમન્સ કેસની પૂરી હકીક્ત ધ્યાનમાં લીધા વિના જારી કર્યું છે. આની સામે અરજદારના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે પોતે આરએસએસ સાથે સંકળાયેલી સેલ્ફ એમ્પ્લોય્ડ વ્યક્તિ છે અને આથી તેને અરજી કરવાનો અધિકાર છે. અખ્તરની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.