સંદેશખાલી કેસમાં કોલકત્તા હાઈકોર્ટનો આદેશ, શેખ શાહજહાં કરે સરેન્ડર, મમતા સરકારને પણ ફટકાર

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે મીડિયા રિપોર્ટ્સ જોઈને લાગે છે કે શાહજહાં શેખ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. કોર્ટે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કોલકાતા હાઈકોર્ટમાં આજે સંદેશખાલી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં TMC નેતા શેખ શાહજહાંની ધરપકડ ન કરવા બદલ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી. કહ્યું કે આ વ્યક્તિ આ રીતે સરળતાથી ભાગી ન શકે. સ્વાભાવિક રીતે જ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ હશે. ચીફ જસ્ટિસે કહ્યું કે શેખ શાહજહાં જનપ્રતિનિધિ છે. તે કાયદાની અવગણના કરી શકે નહીં. જોઈએ છીએ કે તે કોર્ટમાં હાજર થાય છે કે નહીં.

ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું કે સુઓ મોટો કેસમાં અમે તેને અહીં આત્મસમર્પણ કરવાનો આદેશ આપીએ છીએ. કેસ શરૂ થયાને 18 દિવસથી વધુ સમય થઈ ગયો છે. સમસ્યા સર્જનાર એક વ્યક્તિ હજુ પણ ફરાર છે. અમને ખબર નથી કે તે અત્યાર સુધી કેવી રીતે બચી ગયો. પોલીસના હાથે પકડાયો નથી. શક્ય તેટલી વહેલી તકે તેની ધરપકડ કરવી પડશે. રાજ્ય તેનું રક્ષણ કરવાનું ચાલુ રાખી શકતું નથી.

કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીના મુદ્દા પર સુઓ મોટો સંજ્ઞાન લીધું હતું. આ ઉપરાંત ભાજપ દ્વારા આ મુદ્દે હાઈકોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ટીએસ શિવગનનમે સંદેશખાલીના મુદ્દે ગંભીર ટીપ્પણી કરી અને કહ્યું કે ટીએમસીના નેતાઓ જ્યાં હોય ત્યાં આત્મસમર્પણ કરી દે.

કોર્ટે કહ્યું કે તેની સામે પૂરતા પુરાવા છે. શાહજહાં શેખ પર ED અધિકારીઓ પર હુમલો કરવા, સ્થાનિક લોકોની જમીન હડપ કરવા અને મહિલાઓની જાતિય સતામણી કરવાના આરોપો છે. 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં ED પર થયેલા હુમલા બાદ શાહજહાં શેખ ફરાર છે.

સંદેશખાલી હિંસાના માસ્ટરમાઇન્ડ ગણાતા શાહજહાં શેખને ED દ્વારા ત્રણ સમન્સ જાહેર કરવામાં આવ્યા છે. શેખ ફરાર થઈ જતાં તેની સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. 45 દિવસ બાદ પણ પોલીસ શાહજહાં શેખ સુધી પહોંચી શકી નથી.

ઇડી અને અન્ય એજન્સીઓએ અગાઉ તેના બાંગ્લાદેશ ભાગી જવાની આશંકા વ્યક્ત કરી હતી. સંદેશખાલી હિંસામાં શાહજહાં શેખ સાથે શિબુ હઝરા અને ઉત્તમ સરદારના નામ સામે આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી શિબુ હઝરા અને ઉત્તમ સરદારની ધરપકડ કરી છે.