પશ્ચિમ બંગાળ,પશ્ચિમ બંગાળના ઉત્તર પરગણા ૨૪ના સંદેશખાલી ચર્ચામાં છે. આ ગામની મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ ના નેતા શેખ શાહજહાંએ તેમની જમીન પર કબ્જો કરવાની સાથે કેટલીક મહિલાઓ સાથે યૌન શોષણ પણ કર્યું છે. આ ઘટના સામે આવતા જ પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને DGP સહિત કેટલાક અધિકારીઓને લોક્સભા વિશેષાધિકાર સમિતી તરફથી મોકલવામાં આવેલી નોટિસ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.સંદેશખાલી જતા રોકવા મામલે મજૂમદારે ફરિયાદ કરી હતી. અધિકારીઓએ આજે જ વિશેષાધિકાર સમિતી સામે હાજર થવાનું હતું. સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને ૪ અઠવાડિયા પછી સુનાવણી થશે. આ સાથે જ કોર્ટે લોક્સભા સચિવાલય, વિશેષાધિકાર સમિતી, સુકાંત મજૂમદારને નોટિસ ફટકારી છે.
સીનિયર વકીલ કપિલ સિબ્બલે પશ્ચિમ બંગાળના સંદેશખાલી ઘટના સાથે સંબંધિત સંસદ આચાર સમિતિની નોટિસ વિરૂદ્ધ પશ્ચિમ બંગાળની સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો. સંસદની આચાર સમિતિએ એક ફરિયાદ પર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત સીનિયર અધિકારીઓને નોટિસ જાહેર કરી છે. અરજી કરનાર તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું, રાજકીય ગતિવિધિ વિશેષાધિકારનો ભાગ ના બની શકે. મહિલાઓના યૌન શોષણને લઇને દાખલ અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાવાની છે. આ અરજીમાં સુનાવણી અને તપાસ પશ્ચિમ બંગાળની બહાર કરવાની માંગ કરવામાં આવી છે.