કોલકતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે તેણે સસ્પેન્ડેડ ટીએમસી નેતા શાહજહાં શેખની ૧૨.૭૮ કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં એક બેંક એકાઉન્ટ, એક એપાર્ટમેન્ટ અને સંદેશખાલી અને કોલકાતામાં કૃષિ અને મત્સ્યઉદ્યોગની જમીનનો સમાવેશ થાય છે. આ મિલક્તોને જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ હેઠળ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે, એમ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. શેખના સમર્થકો પર ૫ જાન્યુઆરીએ ઉત્તર ૨૪ પરગના જિલ્લાના સંદેશખાલીમાં ઈડી ટીમ પર હુમલો કરવાનો આરોપ છે. આ કેસમાં પશ્ર્ચિમ બંગાળ પોલીસે ૨૯ ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ટીએમસીએ આ શક્તિશાળી નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
કોલકાતા હાઈકોર્ટના આદેશ છતાં પશ્ર્ચિમ બંગાળ પોલીસની સીઆઈડીએ ઈડી અધિકારીઓ પર હુમલાના મુખ્ય આરોપી શેખ શાહજહાંને સીબીઆઈને સોંપ્યો નથી. શેખને કસ્ટડીમાં લેવા માટે સીબીઆઈની ટીમ અર્ધલશ્કરી દળો સાથે કોલકાતામાં સીઆઈડી ઓફિસ પહોંચી હતી, પરંતુ કેન્દ્રીય તપાસ એજન્સીને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે ૫ જાન્યુઆરીએ કોલકાતા હાઈકોર્ટે ઈડી અધિકારીઓ પર હુમલાની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો અને કોર્ટે એમ પણ કહ્યું હતું કે શાહજહાં શેખની કસ્ટડી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી સીબીઆઈને આપવામાં આવે. .
હાઈકોર્ટના નિર્ણય સામે પશ્ર્ચિમ બંગાળની મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. હવે આ કેસની સુનાવણી બુધવારે કોર્ટમાં થઈ શકે છે. દરમિયાન, ઈડીએ શાહજહાં શેખના એપાર્ટમેન્ટ અને જમીન સહિત રૂ. ૧૨.૭૮ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે શેખ શાહજહાંની મુશ્કેલીઓ વધી શકે છે. આ અંગે મમતા સરકાર પર શેખ શાહજહાંને બચાવવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.