નવી દિલ્હી તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મને લઇને આપવામાં આવેલા નિવેદન પર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મંગળવારે કહ્યું કે આ કોંગ્રેસ અને તેના નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીની ઇરાદાપૂર્વકની રણનીતિ છે. વોટબેન્કની રાજનીતિ માટે સનાતન ધર્મને નિશાન બનાવવાનો આ એજન્ડા છે. ભાજપે દ્રમુક નેતા અને તમિલનાડુના મંત્રી કે. પોનમુડીના તે નિવેદન પર એ ટિપ્પણી કરી છે, જેમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષના ગઠબંધન ‘ઇન્ડિયા’ની રચના જ સનાતન ધર્મનો વિરોધ અને તેને ખતમ કરવા માટે કરાઇ છે. નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ને બતાવવું જોઇએ કે શું બંધારણ કોઇ પણ ધર્મ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો અધિકાર આપે છે. ‘ઇન્ડિયા’, કોંગ્રેસ અને સોનિયા-રાહુલને બતાવવું જોઇએ કે પ્રેમની દુકાનના નામ પર સનાતન ધર્મની વિરુદ્ધ નફરત કેમ ફેલાવાઇ રહી છે. નફરતનો આ ખેલ સત્તાનું વિભાજન અને રાજ કરવા માટે જ છે.
બીજી તરફ, ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશની સંસ્કૃતિ અને વારસાનું દરરોજ અપમાન કરાય છે, પરંતુ સોનિયા ગાંધી ચૂપ છે. બિહારના રાજદ નેતા ચંદ્રશેખર અને સપાના સ્વામી પ્રસાદ મૌર્યે રામચરિત માનસ જેવા હિન્દુ ગ્રંથની વારંવાર ટીકા કરી, પરંતુ આ પક્ષોના નેતૃત્વએ મૌન સેવ્યું હતું. તે એ વાતનું પ્રમાણ છે કે તે વિપક્ષનો નક્કી એજન્ડા છે. પરંતુ અમે આ મુદ્દે જનતાની વચ્ચે જઇશું. વિકાસની સાથે વારસાની પણ વાત કરીશું. ભારત સનાતનનું આ અપમાન સહન નહીં કરે. સોનિયા ગાંધી આ મુદ્દે જેટલી ચૂપકીદી સાધશે, તેનાથી સ્પષ્ટ થશે કે સનાતન ધર્મનું અપમાન એ વિપક્ષના જ એક કાર્યક્રમનો હિસ્સો છે.