
ચેન્નાઇ, ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર ફરી એક વખત પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ધરાવતી ભાજપ સરકારે તેમની ટિપ્પણીને ફેરવી છે, આગળ વધારી અને આખા દેશમાં તેને ચર્ચાનો વિષય બનાવી દીધો હતો.
ડીએમકે યૂથ વિંગના સચિવ ઉદયનિધિએ પાર્ટીના યૂથ કેડરની બેઠકમાં ભાગ લીધો હતો જ્યા તેમણે સનાતન ધર્મ વિવાદ પર ફરી એક વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઉદયનિધિએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મારા ભાષણનો ઉલ્લેખ કર્યો, તેમણે મારી પર આવી વાતો કહેવાનો આરોપ લગાવ્યો જે મે ક્યારેય કહી નહતી. સ્પષ્ટતા કરતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું, મે માત્ર નરસંહાર (સનાતન ધર્મનું પાલન કરનારાઓનું) કરવાનું આહવાન કર્યું હતું.
ડીએમકે નેતાએ કહ્યું, મે એક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો ત્યા માત્ર ત્રણ મિનિટ જ બોલ્યો હતો. મે માત્ર એટલુ જ કહ્યું હતું કે તમામની સાથે સમાન વ્યવહાર કરવો જોઇએ, તેમની સાથે ભેદભાવ ના કરવો જોઇએ અને ભેદભાવના કોઇ પણ પ્રયાસને ખતમ કરવો જોઇએ પરંતુ તેમણે (ભાજપ) મારી ટિપ્પણીને તોડી મરોડીને રજૂ કરી અને આખા દેશમાં આ વાત પર વાત કરવા માટે મજબૂર કરી દીધી.
ઉદયનિધિ સ્ટાલિને કહ્યું, કેટલાક સંતોએ મારા માથા પર ૫-૧૦ કરોડના ઇનામની જાહેરાત કરી. આ કેસ કોર્ટમાં છે અને મને કાયદા પર પુરો વિશ્ર્વાસ છે. મને પોતાની ટિપ્પણી માટે માફી માંગવા માટે કહેવામાં આવ્યું પરંતુ મે કહ્યું કે હું માફી નથી માંગી શક્તો. મે કહ્યું કે હું સ્ટાલિનનો પુત્ર, કલૈગ્નરનો પૌત્ર છું અને હું માત્ર તેમના દ્વારા સમથત વિચારધારા વ્યક્ત કરી રહ્યો હતો.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ એમ કહીને મોટો વિવાદ ઊભો કર્યો હતો કે સનાતન ધર્મ સામાજિક ન્યાયની વિભાવના સાથે અસંગત છે અને તેને ’નાબૂદ’ કરી દેવો જોઈએ. તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. સનાતન મેલેરિયા અને ડેન્ગ્યુ જેવું છે અને તેથી તેનો વિરોધ કરવાને બદલે તેને નાબૂદ કરવો જોઈએ.