સાણંદમાં મહારાણા પ્રતાપની વિરાટ પ્રતિમાનું ઐતિહાસિક ભવ્ય અનાવરણ કરાયું

અમદાવાદ : હિંદુ હૃદય સમ્રાટ, હિંદવાન ભાણ, મહા પરાક્રમી મહારાણા પ્રતાપસિંહજી જેમની શૌર્ય ગાથાઓની મહેક ભારતના કણે કણમાં રહેલી છે. સાણંદના ક્ષત્રિય યુવાઓ દ્વારા સાણંદના આંગણે આવા મહાપ્રતાપી યોધાની પ્રતિમા મૂકવાનો સુંદર વિચાર મૂક્યા બાદ એક માસના ટુંકા સમયગાળામાં આ સ્વપ્ન સાકાર થયું હતું. સાણંદના દરબારગઢથી સાણંદ રાજપૂત યુવાઓ, વડીલો, આગેવાનો ભવ્ય શોભાયાત્રા સાથે એકલિંગજી રોડ ઉપર પહોંચી એસબીઆઇ બેંક નજીક મહારાણા પ્રતાપસિંહજીની વિરાટ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરાયું હતું.

જેનો સમગ્ર સાણંદ વિસ્તાર સાક્ષી બન્યો હતો. તેમજ રાત્રે ૧૦ કલાકે એકલિંગજી રોડ ઉપર આવેલા દાદાની બેઠક નજીક ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમા રાજભા ગઢવી, ડીગુભા ચુડાસમા અને મહેશસિંહ સોલંકી જેવા નામી કલાકારો સાહિત્યરસ પીરસ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન મહારાણા પ્રતાપસિંહજી સ્મારક સમિતી સાણંદ દ્વારા કરાયું હતું .

આ કાર્યક્રમમાં સાણંદ ઠાકોર સાહેબ ધ્રુવરાજસિંહજી વાઘેલા, ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહજી વાઘેલા, સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.