સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો, ખાલિસ્તાની સમર્થકોએ આગ લગાડી

સાન ફ્રાન્સિસ્કો, અમેરિકન શહેર સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાની ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કથિત રીતે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ દૂતાવાસ પર હુમલો કર્યો અને તેને આગ લગાડી દીધી. છેલ્લા પાંચ મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે ભારતીય દૂતાવાસને ખાલિસ્તાની સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે.

સ્થાનિક ચેનલ દિયા ટીવીના રિપોર્ટ અનુસાર, અમેરિકાએ આ ઘટનાની સખત નિંદા કરી છે. સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગ એમ્બેસીમાં આગ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેને કાબુમાં લેવામાં સફળ રહી હતી. રિપોર્ટ અનુસાર આગને કારણે દૂતાવાસને વધારે નુક્સાન થયું નથી કે કોઈ કર્મચારીને ઈજા થઈ નથી. કથિત રીતે ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાને લઈને એક વીડિયો પણ જાહેર કર્યો છે. જોકે, વીડિયોની સત્યતાની પુષ્ટિ થઈ નથી.

ખાલિસ્તાની સમર્થકો દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડામાં જૂથના હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવાના વિરોધમાં તેઓએ દૂતાવાસ પર હુમલો કર્યો હતો. કેનેડાના સરેમાં બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. નિજ્જર શીખ્સ ફોર જસ્ટિસ સાથે પણ સંકળાયેલા હતા અને કેનેડામાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ પણ હતા.

અગાઉ માર્ચમાં ખાલિસ્તાની સમર્થકોએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો હતો અને બિલ્ડિંગને નુક્સાન પહોંચાડ્યું હતું. ભારત અને અમેરિકી સરકાર દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી હતી અને હુમલામાં સામેલ લોકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

હુમલાને અંજામ આપવા માટે, ખાલિસ્તાની તરફી વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા દૂતાવાસ પરિસરની સામે બાંધવામાં આવેલા બેરિકેડમાં ઘૂસી ગયા હતા અને ત્યાં બે ખાલિસ્તાની ધ્વજ લગાવ્યા હતા. જો કે, દૂતાવાસના કર્મચારીઓએ ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી દીધા.