દાહોદ,
સ્માર્ટ સીટીનું દાહોદ શહેરનું સ્માર્ટ બસ સ્ટેશન સબળ નેતાગીરીના અભાવે તેમજ એસટી વિભાગની નિષ્કળજીના લીધે પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝુમી રહ્યો રહ્યો છે. જેના લીધે છ વર્ષ પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવીન બસ સ્ટેશનમાં હાલ નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં એસટી મારફતે અવરજવર કરતા હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે. દાહોદના આ બસ સ્ટેશનમાં કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં પણ અસહ્ય ગંદકી, પાણીનો ઉભરાટ, ગટરના ગંદા પાણી હરહંમેશની માફક અને હવે તો જાણે બારે માસ જોવા મળી રહ્યા છે.જેના લીધે આવનારા સમયમાં બસ સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી છે. આખા વર્ષ દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા તેમજ એસટી વિભાગના કમાઉ દીકરા ગણાતા દાહોદ બસ સ્ટેશનમાં હાલત બદ થી બદતર થઇ રહ્યા છે.સ્થાનિક આગેવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા બસ સ્ટેશનને નર્કાગાર પરિસ્થિતિ બહાર કાઢી સ્વચ્છ અને રળીયામળું બનાવે તેવી પ્રવર્તમાન સંજોગોમાં લાગણી તેમજ માંગણી ઉઠવા પામી છે.
એસ.ટી વિભાગની નિષ્કાળજી તેમજ સબળ નેતાગીરીના આભાવે છ વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે બનેલા નવીન બસ મથકની હાલત બદથી બદતર થયાં……
દાહોદ જિલ્લા બન્યા બાદ બદલાતા સમયના વહેણમાં રાજ્ય સરકાર દ્વારા જુના બસ સ્ટેશનને તોડી કરોડો રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ વર્કશોપ તેમજ ડીઝલ પંપ સહીતના વિસ્તારને કયાપલ્ટ કરવામાં કોઈક કારણોસર બાકી રાખી દેવામાં આવ્યું હતું. જોકે છ વર્ષના ટૂંકાગાળામાં બસ સ્ટેશન તેમજ વર્કશોપમાં ગટરના પાણી અસહય ગંદકીના કારણે બસ સ્ટેશનમાં નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે. બસ મારફતે રોજ બરોજ અપડાઉન કરતા નોકરિયાતો, વેપારીઓ મજુર વર્ગ તેમજ મુસાફરો ગંદા પાણીના ખાબોચિયામાંથી પસાર થવા માટે મજબુર બન્યા છે. કેટલાક મુસાફરો તેમજ પ્રવાસીઓ દ્વારા રજૂઆત કર્યા બાદ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.
સ્માર્ટ સીટીના બસ મથકમાં ગટરના પાણી બસ સ્ટેશનમાં ઘુસ્યા:સુલભ સૌચાલય જેવી સુવિધા બાદ પણ જાહેરમાં લઘુશંકા કરતા પ્રવાસીઓ તેમજ મજુર વર્ગ……
વડા પ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જાહેરમાં શૌચક્રિયા બંધ કરવા માટે સુલભ શૌચાલય જેવી વ્યવસ્થા ઉભી કરવા કરોડો રૂપિયાની લ્હાણી કરી છે. તેમજ દાહોદ બસ સ્ટેશનમાં પણ સુલભ શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પણ દાહોદ બસ સ્ટેશનમાં ગટરના પાણી તેમજ જમીનમાંથી ફૂટતા ગંદા પાણી બારેમાસ વર્કશોપ સહીતના આસપાસના વિસ્તારોમાં ફરી ખાબોચિયાનું સ્વરૂપ ધારણ કરી લીધા છે. સફાઈ કર્મીઓના અનિયમિતતાના લીધે વર્કશોપ સહિતના આસપાસના વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.ત્યારે બહાર ગામથી આવતા મજુર વર્ગ તેમજ મુસાફરો આવી ગંદકીના ઢગલા જોઈ ખુલ્લામાં શૌચક્રિયા કરી રહ્યા છે. જોકે આ બાબતે શૌચાલય અંગેની જનજાગૃતિના અભાવે તેમજ સુલભ સૌચાલય સંચાલકોની મનમાનીના કારણે લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં દાહોદના ૮૦ રૂટોમાંથી ૧૩ રૂટો છેલ્લા ૯ માસથી બંધ…..
કોરોના વૈશ્વિક મહામારીથી ઝઝુમતા સમગ્ર દેશમાં સામાન્ય લોકોને આમેય ભારે હાલાકીનો સામાન્ય કરવો પડી રહ્યો છે અને તેમાંય સામાન્ય લોકોની જીવાદોરી સમાન રેલ્વેની મોટાભાગની ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. ત્યારે સામાન્ય લોકોને બસમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી હાલ છે. આવા સમયે રેલ્વેની લોકલ ટ્રેનો પણ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બીજી તરફ દાહોદ જિલ્લાના મુસાફરોનો ઘસારો બસ સ્ટેશનમાં ભારે જોવા મળતો હોય છે. દાહોદ બસ ડેપોની વાત કરીએ તો સરહદોને જોડતી બસ હાલ રાબેતા મુજબ ચાલુ ન થતાં સરહદી વિસ્તારના લોકોને પણ અવર જવરમાં ભારે મુશ્કેલી ઉભી થઈ રહી છે. દાહોદથી અલીરાજપુર, ઝાબુઆ, પાડા, રાણાપુર, ઈન્દૌર, અમદાવાદ – દાહોદ (એસી) જેવી મુખ્ય બસોના રૂટો હાલ બંધ છે અને તેમાંય દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલ બસોના રૂટો પણ બંધ છે. ત્યારે વિદ્યાર્થી આલમમાં પણ ભારે નિરાશા સાથે અવર જવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.
રિપોર્ટર : વિનોદ પંચાલ