સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ગરબા રમવાની મંજૂરી ન અપાતાં વિવાદ થયો છે. 300 વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના પટાંગણમાં રામ ધૂન સાથે ધરણાં કર્યાં હતાં. ખોડલધામના આયોજકો દ્વારા બસથી લાવવા-લઇ જવાની વ્યવસ્થા કરાતી હોવા છતાં વોર્ડને મંજૂરી ન આપતાં રોષ ફેલાયો હતો.
પોલીટેક્નિક કોલેજના કેમ્પસમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ દર વર્ષે છાણીમાં ખોડલધામ ગરબા મહોત્સવમાં ગરબા રમવા જાય છે. સંસ્થા દ્વારા તેમના માટે બસની વ્યવસ્થા કરાય છે. જોકે ચાલુ વર્ષે વિદ્યાર્થિનીઓને સમરસ હોસ્ટેલનાં વોર્ડને મંજૂરી ન અાપતાં વિવાદ થયો છે.જેથી રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ શુક્રવારે રાતે હોસ્ટેલમાં સૂત્રોચ્ચાર સાથે રામધૂન કરી 2 કલાક વિરોધ કરાયો હતો. છતાં વોર્ડને રાજ્ય સરકારમાંથી મંજૂરી ન હોવાનું ગાણું ગાયું હતું. વિદ્યાર્થિનીઓએ સાંસદને રજૂઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હોસ્ટેલ દ્વારા મોડી રાત્રે નોટિસ બહાર પડાઈ કે, વિદ્યાર્થિનીઓએ પોતાની અને વાલીની સંમતી લેખિતમાં ઓફિસમાં જમા કરાવવી. ત્યારબાદ મંજૂરીની આગળની કાર્યવાહી કરાશે.
અમને ગરબા રમવાનો અધિકાર નથી? અમે હોસ્ટેલમાં રહીએ છીએ તો ગરબા રમવાનો અધિકાર નથી? ખોડલધામના આયોજકો દર વર્ષે બસ દ્વારા લાવવા-મૂકવાની વ્યવસ્થા કરે છે. પણ આ વખતે વોર્ડને ના પાડી છે. – કિંજલ છાપ્રા, વિદ્યાર્થિની
વોર્ડન વાલીને ફરિયાદ કરી ધમકી આપે છે ડિસેમ્બરમાં વોર્ડન બદલાઇ છે. નવા વોર્ડને ગાંધીનગરથી પરવાનગી ન આવી હોવાનું કહી ના પડાઈ છે. તેઓ વાલીઓને ફરિયાદ કરીને ધમકી પણ અપાઈ રહી છે. – રિદ્ધિ કળોતરા, વિદ્યાર્થિની
મંત્રીને રજૂઆત કરી છે, નિવેડો લવાશે સામાજિક ન્યાય અધિકારી વિભાગના મંત્રીને રજૂઆત કરી છે. ટૂંક સમયમાં નિવેડો આવશે. બહાર જવાની મંજૂરી ન મળે તો હોસ્ટેલમાં ગરબાની વ્યવસ્થા માટે પ્રયાસ કરાશે. – ડો.હેમાંગ જોશી, સાંસદ
3 વર્ષથી મૂકવા-લેવાની વ્યવસ્થા કરાય છે સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ માટે સંસ્થા દ્વારા 3 વર્ષથી બસ અને સિક્યોરિટીની વ્યવસ્થા કરાય છે. અમે હોસ્ટેલ સત્તાધીશોનો સંપર્ક કર્યો હતો.- કુમદ અકબરી, કન્વીનર, મધ્ય ગુજરાત ઝોન, ખોડલધામ ટ્રસ્ટ