
- નવો સબ વેરિએન્ટ બીએફ.૭ સામે આવ્યો છે . આ નવા વેરિએન્ટના ભારતમાં અત્યાર સુધીમાં ચાર કેસ મળી ચૂક્યા .
નવીદિલ્હી,
કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આ બધા વચ્ચે કોરોનાનો એક નવો સબ વેરિએન્ટ બીએફ.૭ સામે આવ્યો છે . આ નવા વેરિએન્ટના ભારતમાં અત્યાર સુધીમાં ચાર કેસ મળી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોરોના સંકટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાં અંગે પહેલા લોક્સભામાં અને પછી રાજ્યસભામાં જાણકારી આપી. તેમણે કહ્યું કે દુનિયામાં રોજ ૫ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોના હજુ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી, જે લોકોએ બુસ્ટર ડોઝ હજુ સુધી લીધા નથી તેઓ જરૂર લગાવી લે. રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ મેનેજમેન્ટ સારું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોક્સભામાં કહ્યું કે કોવિડ-૧૯ની સતત બદલાતી પ્રકૃતિ વૈશ્ર્વિક સ્વાસ્થ્ય માટે જોખમ છે. કેન્દ્ર સરકાર કોરોના વાયરસની વૈશ્ર્વિક સ્થિતિ પર સતત નજર જાળવી રહ્યું છે. જાહેર સ્વાસ્થ્ય આગળ ઊભેલા પડકારોને પહોંચી વળવા માટે સતત પગલાં લેવાઈ રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે રાજ્યોને ઈન્ફેક્શનના તમામ કેસમાં જીનોમ સિક્વેન્સિંગ કરાવવાની સલાહ અપાઈ છે. આવનારા ફેસ્ટિવલ અને નવા વર્ષને જોતા જરૂરી કોવિડ પ્રોટોકોલના પાલન માટ રાજ્યોએ જાગૃતતા વધારવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ પર વિદેશથી આવનારા મુસાફરોમાંથી ૨ ટકા લોકોના સેમ્પલ રેન્ડમ રીતે આરટી-પીસીઆર તપાસ માટે લેવાની પ્રોસેસ આજથી શરૂ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના વૈશ્ર્વિક મહામારીને રોકવા માટે તમામ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. હું સદનમાં તમામ સાથીઓની આ કોશિશોમાં મદદ ઈચ્છુ છું. બુસ્ટર ડોઝ બાદ પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા રહો. એક સાથે મળીને દ્રઢ સંકલ્પ સાથે કોરોના જેવા દુશ્મન વિરુદ્ધ લડાઈ લડવી પડશે.
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે જ્યારે વિશ્ર્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આમ છતા, સરકાર કોરોનાને લઈને સતર્ક હોવાનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાને આજે લોક્સભામાં જણાવ્યું હતું. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં સરકાર દ્વારા લેવાઈ રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું કે, કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. તેની સાથોસાથ કોરોના માટે જાહેર કરેલ માર્ગદર્શીકાનું પૂરેપૂરુ પાલન પણ કરવુ જરુરી છે. તેમ પણ તેમણે કહ્યું હતું.
ચીન સહીત વિશ્ર્વના કેટલાક દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ગંભીરતાથી લઈને સરકારે વિદેશથી આવનાર મુસાફરોના પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાનું પાલન કરવાની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકોને અપિલ કરી હતી. સાથોસાથ આ મહામારી સામે જાગૃતતા લાવવા માટે સૌનો સાથ પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું.દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને સરકારની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે, “સરકાર સતત પગલાં લઈ રહી છે અને રાજ્યોને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યોને નવા આવતા કોરોનાના કેસના જીનોમ સિક્વન્સ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોરોના વેરિઅન્ટના નવા પ્રકારો પણ જાણી શકાય. નવા વર્ષ અને તહેવારને યાનમાં રાખીને, માસ્ક, સેનિટાઈઝર અને અન્ય કોરોના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
મનસુખ માંડવિયાએ કહ્યું કે, વિદેશથી આવતા મુસાફરો માટે રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભારત કોવિડ મેનેજમેન્ટ વધુ સારી રીતે કરી રહ્યું છે. અને આગળ પણ ચાલુ રાખશે. તેમણે ગૃહના સભ્યોનો સહકાર માંગતા કહ્યું કે, કોવિડ વિરોધી રસી લગાવીને તેની સામે સામૂહિક લડાઈ લડવાની જરૂર છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના અંગે કેન્દ્રની પ્રતિબદ્ધતા વિશે જણાવ્યું હતું કે, ભારતમાં રેકોર્ડબ્રેક રસી સ્થાપિત કરવામાં આવી છે. સરકાર કોરોનાના નિયંત્રણ માટે પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું હતું કે ચીનમાં સ્મશાનોમાં ભીડ છે. બીજી લહેરમાં પણ ભારતની હાલત એટલી ખરાબ ન હતી, જેટલી અત્યારે ચીનમાં છે. ત્યાં જે વાઇરસે તબાહી મચાવી છે એ વધુ ખતરનાક બની રહ્યો છે.ભારતે ગભરાવાની જરૂર નથી, પણ ગંભીર થવાની ચોક્કસ જરૂર છે. આપણે હવે તમામ સ્તરે એલર્ટ રહેવાની જરૂર છે.