સંપૂર્ણ બજેટ પહેલા સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા મહિને ૨૦૨૪નું બજેટ રજૂ કરશે. આ સંપૂર્ણ બજેટ હશે. આ પહેલા સરકારે ફેબ્રુઆરી ૨૦૨૪માં લોક્સભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. અહેવાલો અનુસાર કેન્દ્રીય બજેટ ૨૦૨૪ નાણા મંત્રી નિર્મલા સીતારમણ ૨૨ જુલાઈએ સંસદમાં રજૂ કરી શકે છે. અહેવાલ મુજબ આર્થિક સર્વે દસ્તાવેજ ૩ જુલાઈના રોજ જાહેર થવાની સંભાવના છે. બજેટ પહેલા નાણા મંત્રાલય સંસદ સમક્ષ અન્ય એક મહત્વપૂર્ણ દસ્તાવેજ રજૂ કરે છે જેને આથક સર્વે કહે છે. આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને નાણામંત્રી દ્વારા લોક્સભામાં રજૂ કરવામાં આવે છે તે હંમેશા કેન્દ્રીય બજેટના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવે છે.

પ્રથમ આર્થિક સર્વે ૧૯૫૦-૫૧માં કેન્દ્રીય બજેટના ભાગ રૂપે રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, ૧૯૬૪માં આર્થિક સર્વેને કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યો હતો. ત્યારથી કેન્દ્રીય બજેટની રજૂઆતના એક દિવસ પહેલા આર્થિક સર્વેક્ષણ જાહેર કરવાની પરંપરા બની ગઈ છે.

આર્થિક સર્વેના બે ભાગ છે  એકમાં દેશ દ્વારા સામનો કરવામાં આવેલ આર્થિક પડકારોનો સમાવેશ થાય છે અને બીજામાં પાછલા વર્ષના વિશ્લેષણનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે એ સમાપ્ત થતા નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની સ્થિતિ પરનો વિગતવાર વાષક અહેવાલ છે. આ દસ્તાવેજ માત્ર સરકારના મુખ્ય વિકાસ કાર્યક્રમોની કામગીરીનો સારાંશ જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની નીતિગત પહેલોને પણ પ્રકાશિત કરે છે. તે પાછલા વર્ષ માટેનો અંદાજ પણ આપે છે. આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

આર્થિક સર્વેક્ષણ શા માટે મહત્વનું છે? આર્થિક સર્વેક્ષણમાં પાછલા નાણાકીય વર્ષમાં તમામ ક્ષેત્રો, ઉદ્યોગો, કૃષિ, રોજગાર, કિંમતો અને નિકાસ પર વિગતવાર આંકડાકીય માહિતી વિશ્લેષણ અને પ્રદાન કરીને ભારતમાં આર્થિક વૃદ્ધિની સમીક્ષા કરવામાં આવે છે. આ સર્વે આગામી નાણાકીય વર્ષ માટે દેશની પ્રાથમિક્તા અને કયા ક્ષેત્રોને વધુ ભાર આપવાની જરૂર છે તે સમજીને કેન્દ્રીય બજેટને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ કરે છે.