નવીદિલ્હી,છેલ્લાં કેટલાક સમયથી સમલૈંગિક લગ્નોનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીસીઆઇ)એ રવિવારે ઠરાવ પસાર કરીને આવા લગ્નોને કાનૂની માન્યતા આપવાનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે પિટિશનની સુનાવણી ચાલુ છે. ઠરાવમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, ભારત વિવિધતાથી ભરેલો દેશ છે.
કોઈ બાબત દેશના મૂળભૂત સામાજિક ઢાંચામાં ફેરફાર કરે તેવી શક્યતા હોય તો તેનો અમલ કાયદા દ્વારા થવો જોઇએ એવો મત બાર એન્ડ બેન્ચના અહેવાલમાં વ્યક્ત કરાયો હતો. ઠરાવની વિગત અનુસાર ’ભારત સામાજિક-ધામક રીતે સૌથી વધુ વિવિધતા ધરાવતા દેશોમાં સામેલ છે. અહીંના લોકો પરંપરાગત માન્યતાઓ ધરાવે છે. આ સ્થિતિમાં કોઈ બાબત મૂળભૂત સામાજિક ઢાંચામાં ફેરફાર કરે તેવી શક્યતા હોય તો તેનો અમલ કાયદા દ્વારા થવો જોઇએ એવો મત બેઠકમાં સર્વસંમતિથી વ્યક્ત કરાયો હતો. આવા સંવેદનશીલ કેસમાં કોર્ટનો કોઇપણ નિર્ણય આપણા દેશની ભાવિ પેઢીઓ માટે હાનિકારક પુરવાર થઈ શકે.’
ઠરાવમાં બધા એ વાત સાથે સંમત હતા કે સમલૈંગિક લગ્નોની બાબતમાં સંબંધિત ઓથોરિટી દ્વારા જુદાજુદા ધામક અને સામાજિક જૂથો સાથે ચર્ચા જરૂરી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ’માનવ સભ્યતા અને સંસ્કૃતિની શરૂઆતથી સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રી ના શારીરિક બંધારણને આધારે તેમની વચ્ચે લગ્નને સ્વીકૃતિ આપવામાં આવી છે. હવે કોર્ટના કોઇ કાયદા દ્વારા આટલી જૂની પાયાની બાબતમાં ફેરફાર કરવાનું પગલું મોટું નુક્સાન કરી શકે.’ ઠરાવમાં સુપ્રીમ કોર્ટને દેશના બહુમતી લોકોની ભાવનાઓ અને વિચારને સમજવાની અને માન આપવાની વિનંતી કરાઈ હતી અને સમલૈંગિક લગ્નોના મુદ્દાને કાયદો ઘડવાની વિચારણા પર છોડી દેવાની વિનંતી કરવામાં આવી હતી.