નવીદિલ્હી,સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટમાં આજે સાતમા દિવસે એટલે કે બુધવારે સુનાવણી થઇ છે આ મામલે અત્યાર સુધી છ દિવસની સુનાવણી થઈ છે. અગાઉ ૨૭ એપ્રિલે સમલૈંગિક લગ્નને માન્યતા આપતી ૨૦ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે જો સમલૈંગિક યુગલોના લગ્નને કાયદાકીય માન્યતા આપવામાં નહીં આવે તો તેમને શું ફાયદો થશે.
અગાઉ, કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પૂછ્યું હતું કે સમલૈંગિક લગ્નમાં પત્ની કોણ હશે, જેને ભરણપોષણનો અધિકાર મળે છે. જેને ગે અથવા લેસ્બિયન લગ્નમાં પત્ની કહેવામાં આવશે. તેના પર સીજેઆઇ ચંદ્રચુડે કહ્યું કે જો આ સંદર્ભ સમલૈંગિક લગ્નમાં લાગુ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે પતિ ભરણપોષણનો દાવો પણ કરી શકે છે, પરંતુ તે વિજાતીય લગ્નમાં લાગુ થશે નહીં.
બીજી તરફ ૨૭ એપ્રિલે જ ૧૨૦ પૂર્વ અધિકારીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લેટર લખીને આ મામલે હસ્તક્ષેપની માગ કરી હતી. તેમણે કહ્યું કે જો ભારતમાં સમલૈંગિક લગ્ન પર કાયદો બનાવવામાં આવે છે તો તેની કિંમત આખા દેશને ચૂકવવી પડી શકે છે. આ લેટર લખનારાઓમાં નિવૃત્ત ન્યાયાધીશો, પૂર્વ આઇએએસ આઇપીએસ સામેલ છે.
ભૂતપૂર્વ અધિકારીઓએ કહ્યું કે અમે ભાવિ પેઢીઓને એવું વાતાવરણ આપી શકીએ નહીં જેમાં વધુ ગે લોકો તૈયાર થાય. આપણા દેશમાં લગ્ન એક સામાજિક બંધન છે, જેની સાથે અનેક પ્રકારના સંબંધો જોડાયેલા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ઉદારવાદી દેખાવા માટે ભારતીય મૂલ્યો સાથે છૂટાછેડા લઈ ચૂક્યા છે. જો દેશમાં સમલૈંગિક લગ્ન અંગેનો કાયદો બને તો ઘણા લોકોને તેમના માતા-પિતા અને પૂર્વજો વિશે ખબર નહીં પડે.
આ મામલાની સુનાવણી સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીની બંધારણીય બેંચ કરી રહી છે.