સમયોચિત સુધાર

કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા વિવાદનો વિષય બનેલા વક્ફ અધિનિયમમાં સંશોધનની તૈયારી સમયની માંગ છે. આ અધિનિયમમાં વ્યાપક સંશોધન-પરિવર્તન કરવાની સંભાવના છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ અધિનિયમમાં કયા પ્રકારનાં સંશોધન-પરિવર્તનો થશે, પરંતુ એ નક્કી છે કે વક્ફ બોર્ડોને સંપત્તિના દાવા સંબંધી જે મનમાફક અધિકાર મળેલા છે, તેમાં કપાત થશે. એવું થવું જ જોઇએ, કારણ કે હાલમાં સ્થિતિ એવી છે કે જો કોઈ રાજ્યનું વક્ફ બોર્ડ કોઈ સંપત્તિ પર દાવો કરી દે તો કોઈ સત્યાપન વગર જ એ સંપત્તિ તેના અધિકાર ક્ષેત્રમાં માની લેવામાં આવે છે.

આવા મામલે પીડિત વ્યક્તિએ એ સાબિત કરવું પડે છે કે સંબંધિત સંપત્તિ તેની છે. આ પ્રકારની વ્યવસ્થા ન્યાયના મૌલિક સિદ્ઘાંતોથી બિલકુલ વિપરીત છે. વક્ફ બોર્ડોને કેવા મનમાફક અધિકારો આપી દેવાયા છે, તે જાણવા જેવું છે. તમિલનાડુમાં રાજ્ય વક્ફ બોર્ડે એક ગામના મંદિર અને તેની આસપાસની જમીનો પર પોતાનો દાવો ઠોકી દીધો. એ દાવો એટલા માટે હાસ્યાસ્પદ હતો, કારણ કે એ મંદિર ૧૫૦૦ વર્ષ જૂનું એટલે કે ઇસ્લામના ઉદય પહેલાંનું હતું. વક્ફ બોર્ડોની મનમાનીનાં આવા ઘણાં ઉદાહરણો છે.

વક્ફ અધિનિયમમાં માત્ર એટલા માટે સંશોધન ન કરવું જોઇએ કે વક્ફ બોર્ડોને સંપત્તિના દાવા સંબંધી મનમાફક અધિકાર મળેલા છે, પરંતુ એટલા માટે પણ કરવું જોઇએ જેથી વક્ફની સંપત્તિઓનો દુરુપયોગ અને એના પર ગેરકાયદે કબ્જાનો સિલસિલો અટકે. દેશભરમાં વક્ફ બોર્ડો પાસે ૮.૫ લાખ સંપત્તિઓ છે, જે નવ લાખ એકરમાં ફેલાયેલી છે. તેમ છતાં રાજ્ય સરકારોએ વક્ફ બોર્ડનો અનુદાન આપવું પડે છે. સ્પષ્ટ છે કે વક્ફની સંપત્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ નથી થઈ રહ્યો. એના પર માત્ર ગેરકાયદે કબ્જા જ નથી થતા, બલ્કે તેમને ખોટી રીતે વેચી મારવામાં પણ આવે છે.

એવા કેટલાક કિસ્સાની તપાસ પણ થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં તો આવા કેસોની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે. વક્ફની જમીનનો ઉપયોગ ઘોષિત ઉદ્દેશ્યો અર્થાત મજહબી અને મુસ્લિમ સમાજના કલ્યાણનાં કામોમાં થવો જોઇએ. એવું બિલકુલ નથી થઈ રહ્યું અને વક્ફ સંપત્તિઓથી થઈ રહેલી કમાણીનો ગેરકાયદે લાભ વક્ફ બોર્ડોમાં બેઠેલા લોકો ઉઠાવી રહ્યા છે. આ જ કારણે વક્ફ બોર્ડોની સંપત્તિઓનો લાભ મુસ્લિમ સમાજના નિર્ધન વંચિત લોકોને નથી મળી રહ્યો.

આશ્ચર્યજનક છે કે વક્ફ અધિનિયમમાં સંશોધન-પરિવર્તનની વિગતો જાણ્યા વિના જ કેટલાય મુસ્લિમ નેતાઓ વિરોધમાં ઊભા થઈ ગયા છે. તેમની પાસે લઈ-દઈને એક જ કુતર્ક છે કે મોદી સરકારની દાનત યોગ્ય નથી. આવો જ કુતર્ક તેઓ ત્રણ તલાક મામલે પણ કરી રહ્યા હતા. જો મુસ્લિમ નેતાઓ ન ઇચ્છતા હોય કે વક્ફ સંપત્તિઓનો દુરુપયોગ ચાલુ રહે તો તેમને વક્ફ અધિનિયમમાં સુધારની પહેલનું સમર્થન જ કરવું જોઇએ