ઇન્ટરનેશનલ ઓલિમ્પિકમાં પસંદગી પામી : સામાન્ય પરિવારની દીકરી બર્લિનમાં બાસ્કેટબોલ રમશે.

મોરવા(હ), મોરવા હડફ તાલુકાના કસનપુર ગામની મનોદિવ્યાંગ વિદ્યાર્થીની લીલાબેન પટેલની પસંદગી આગામી 26 જૂનથી જર્મનીના બર્લિન ખાતે પ્રારંભ થનારી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક ગેમ સ્પર્ધામાં બાસ્કેટબોલ રમત માટે મહિલા ટીમમાં કરવામાં આવી છે. ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવેલા સ્પેશિયલ કેટેગરીના ખેલાડીઓમાં ભારતમાંથી લીલાબેન પટેલને પણ તક મળતાં સ્વજનોમાં ખૂશી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે, મંદ બુદ્ધિના બાળકોમાં આત્મવિશ્ર્વાસ વધે અને તેનામાં છુપાયેલું કૌશલ્ય બહાર આવે એ માટે આ પ્રકારના રમતોત્સવનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા કસનપુર ગામ જેવા ગામના અમરસિંહ પટેલની દીકરી લીલાબેન જન્મ બાદ તેનો માનસિક વિકાસ ઓછો હોવાથી તેનો પરિવાર ચિંતિત હતો, પરંતુ પોતાની દીકરીને પરિવારજનોએ સ્થાનિક શાળામાં અભ્યાસ કરાવ્યા બાદ ઉચ્ચતર અભ્યાસ માટે મોરવા હડફ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ માટે મૂકવામાં આવી હતી. લીલાના અભ્યાસકાળ દરમિયાન લીલાએ દોડની રમતમાં રૂચિ કેળવી હતી. જેથી સ્પેશિયલ એજ્યુકેશન શિક્ષક દ્વારા લીલાના કૌશલ્યને પારખી તેના પ્રત્યે થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દરમિયાન તેણીને ગોધરા ખાતે બાસ્કેટબોલની તાલીમ આપવામાં આવી હતી. જેમાં લીલાનું પરફોર્મન્સ નિહાળી તેના પ્રત્યે કોચને આત્મવિશ્ર્વાસ જાગ્યો હતો. જેથી લીલાને બાસ્કેટબોલમાંથી તાલુકા, જીલ્લા અને રાજ્યકક્ષાએ બાસ્કેટબોલમાં મેચમાં ભાગ લેવડાવવામાં આવ્યો હતો. જેમાં લીલાએ ગુજરાત વતી પોંડિચેરી ખાતે નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધામાં સારૂ પરફોર્મન્સ કર્યું હતું. જેથી લીલાની પસંદગી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક ભારતમાં થઈ છે. જોકે લીલાનો પરિવાર ખૂબ જ દારૂણ અને દયનીય પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યો છે. જેથી પ્રારંભિક તબક્કામાં પોતાની પાસે દીકરીને વિદેશ મોકલવાના નાણાં નથી એમ જણાવી જર્મની મોકલવા માટે ઇન્કાર કરી દેવાયો હતો, પરંતુ સ્પેશિયલ ઓલિમ્પિક ભારતના પંચમહાલ જીલ્લાના સંચાલનકર્તાઓ દ્વારા લીલાના સ્વજનોને સમજાવટ કરી પાસપોર્ટ સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે. જે બાદ હવે સ્વજનોએ લીલાને જર્મની મોકલવાની તૈયારી બતાવી છે.

ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતમાંથી બાસ્કેટબોલ સ્પર્ધામાં મહિલા ખેલાડી તરીકે રમવા માટે જઈ રહેલી લીલાના પરિવારની વાત કરવામાં આવે તો તેના માતા પિતાને કુલ ત્રણ સંતાનો છે અને માતા પિતા પોતાનો જીવનનિર્વાહ માત્ર ખેતી ઉપર જ ચલાવી રહ્યા છે. માતા અને પિતા બંને અભણ છે. જેથી પોતાની દીકરીના અભ્યાસ અથવા તો હાલ જર્મની ખાતે બાસ્કેટબોલ સ્પર્ધા માટે જવા અંગેની પણ તેઓને પુરી જાણકારી નથી, પરંતુ પોતાની દીકરી પ્રત્યે તેઓને હાલ ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. કેમ કે જન્મ બાદ મંદબુદ્ધિ ધરાવતી લીલાના ભવિષ્ય અંગે સ્વજનો ચિંતિત હતા. ત્યારે એજ લીલાએ પોતાના કૌશલ્ય થકી પોતાનું માતાપિતાનું નામ રોશન કરી ગામ, પરિવાર, જીલ્લા, રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. જોકે લીલા અને તેનો પરિવાર એક સામાન્ય કાચા મકાનમાં આજે પણ વસવાટ કરી રહ્યો છે. જેમાં લીલા પણ પરિવારજનોને તમામ ઘરકામમાં મદદ કરે છે.