
નવીદિલ્હી,
ચીન અને પાકિસ્તાન સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, અમારા પડોશી સતત અસ્થિર અને અનિશ્ર્ચિત છે.આવામાં આપણે પરસ્પર વિશ્ર્વાસ કરવાવાળા અને સમાન મૂલ્યો ધરાવતા દેશો સાથે મળીને સામૂહિક તાકાત વધારવી જોઈએ. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં એરફોર્સ ચીફ ચૌધરીએ કહ્યું કે, પરસ્પર ફાયદાકારક સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક સ્થિર દેશ તરીકેની આપણી છબીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ભાગીદારીમાં નોંધપાત્ર આર્થિક મૂલ્ય હોવું આવશ્યક છે. આપણે આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવીએ તે આવશ્યક છે. આ માટે અમેરિકી ચિંતક જ્હોન મેયરશેઇમર દ્વારા પ્રસ્તાવિત સંતુલનની વ્યૂહરચના પર આગળ વધી શકાય છે.
એર ચીફ માર્શલે કહ્યું કે, વર્તમાન વિશ્ર્વ વ્યવસ્થામાં રાષ્ટ્રીય હિત અને વાસ્તવિક રાજકારણ કોઈપણ દેશની નીતિ નક્કી કરે છે. એવામાં સ્પર્ધા અને સહકાર વચ્ચે હંમેશા મિશ્રણ હોય છે. અર્થપૂર્ણ સહકાર માટે તંદુરસ્ત સ્પર્ધા જરૂરી છે. આપણા લાંબા ગાળાના ધ્યેયોને નુક્સાન ન પહોંચે તે ધ્યાનમાં રાખીને આપણે આપણા અસ્તિત્વ માટે આપણી પોતાની વ્યૂહરચના બનાવવી પડશે. આઇએએફના વડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સંઘર્ષો વચ્ચે ભારતના લાંબા ગાળાના લક્ષ્યોને નુક્સાન ન થાય તેની ખાતરી કરવા માટે સંતુલિત વ્યૂહરચના સંયુક્ત રાષ્ટ્રમાં સામે આવી છે. દબાણ હોવા છતાં, ભારત વિવિધ પ્રદેશોમાંથી વાજબી ભાવે તેલની આયાત ચાલુ રાખવામાં સક્ષમ હતું. તેઓ યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રતિબંધો છતાં રશિયા પાસેથી તેલની આયાત ચાલુ રાખવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.