સામાન કે રોકડની ચોરી ટ્રેનમાં થશે તો જવાબદારી મુસાફરની : સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે ટ્રેન મુસાફરીને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ યાત્રીના પૈસા ચોરાઈ જાય તો તેને રેલવેની સેવાઓમાં ઉણપ ન ગણી શકાય. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ડિવિઝન બેન્ચે ગ્રાહક ફોરમ દ્વારા પસાર કરાયેલા આદેશને ફગાવી દીધો હતો, જેમાં રેલવેને ચોરાયેલી રોકડ પેસેન્જરને ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.કોર્ટે કહ્યું કે જો કોઈ યાત્રીના પૈસા, ઘરેણાં કે સામાન ટ્રેનમાંથી ચોરાઈ જાય તો તેને રેલવેની સેવામાં ખામી ન ગણી શકાય.

સુપ્રીમ કોર્ટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રાહક મંચના નિણયને ફગાવી દીધો છે. જેમાં રેલવેને એક લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ સમગ્ર મામલો એપ્રિલ ૨૦૦૫નો છે. એક વેપારી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન તેની પાસેથી એક લાખ રૂપિયાની ચોરી થઈ હતી. રેલવેએ કન્ઝ્યુમર ફોરમના સર્વસંમત નિર્ણયને પડકાર્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. ડિસ્ટ્રિક્ટ ફોરમે ૨૦૦૬માં રેલવેને વેપારીને એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જો કે, ફોરમે ફાટેલા પેન્ટ માટે વ્યાજ અને વળતરના દાવાને ફગાવી દીધો હતો. ૨૦૧૪માં યુપી સ્ટેટ કન્ઝ્યુમર ફોરમ અને ૨૦૧૫માં નેશનલ કન્ઝ્યુમર ફોરમે આ અંગેની અપીલ ફગાવી દીધી હતી. રેલવેને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.

બેન્ચે કહ્યું કે અમને એ સમજાતું નથી કે કેવી રીતે ચોરીને રેલવે દ્વારા સેવામાં ઉણપ ગણાવી શકાય. જો પેસેન્જર તેના સામાનની સુરક્ષા કરવામાં સક્ષમ ન હોય તો રેલવેને જવાબદાર ઠેરવી શકાય નહીં. હવે સુપ્રીમ કોર્ટે રેલવેને ક્લીનચીટ આપી છે.

યાત્રીના અંગત સામાનની ચોરી રેલ્વે દ્વારા સેવાની ઉણપ સમાન નથી. મુસાફરે રેલ્વે પાસેથી ચોરાયેલી રકમની ભરપાઈ માટે જિલ્લા ગ્રાહક ફોરમ સમક્ષ દાવો દાખલ કર્યો હતો. એવી દલીલ કરવામાં આવી હતી કે નાણાંની ચોરી રેલવે દ્વારા આપવામાં આવતી સેવામાં ખામીને કારણે થઈ હતી. કોર્ટે કહ્યું કે જો મુસાફર તેના સામાનની સુરક્ષા કરવામાં સક્ષમ ન હોય તો રેલવેને જવાબદાર ઠેરવી શકાય નહીં.