
સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાનાં સાસુ, ફઈ અને કાકા-કાકી સામે જાતિવિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરતાં હોવાનો પિયરપક્ષે આક્ષેપ કર્યો છે. આપઘાતની જાણ પિતાને થતાં પિતા પરિવાર સાથે ત્યાં પહોંચે એ પહેલાં સાસરિયાંવાળાએ દીકરીને નીચે ઉતારી, ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ ID સહિતના પુરાવા ડિલિટ મારી દીધા હોવાનો અને સાસરિયાં પક્ષે જ દીકરીનો જીવ લીધો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે.
પરિણીતાનો ગર્ભ પણ પડાવી નાખ્યાનો આક્ષેપ પરિણીતાના પિતાએ લગાવ્યો છે, જોકે જમાઈ સારા હોવાનું અને દીકરીના પક્ષમાં હોવાનું પણ જણાવ્યું હતું. હાલ પોલીસે પિતાના આક્ષેપના ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના ખટોદરા વિસ્તારમાં ગજાનંદ શેરી અંબાનગર 2માં રહેતાં 25 વર્ષીય રીના ઉર્ફે તુલસી ધવલભાઇ જરીવાલાએ 22 માર્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર અચાનક જ જીવન ટૂંકાવી લીધું હતું. ઘરના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. 25 વર્ષીય પરિણીતાએ કયા કારણસર આપઘાત કર્યો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ દીકરીનાં સાસુ, ફઈ, કાકા, કાકી વિરુદ્ધ જાતિવિષયક ટિપ્પણી કરી પોતાની દીકરીને ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા છે અને ન્યાયની માગ કરી છે.

સગાઈ તોડાવા મારી દીકરીએ એકવાર દવા પણ પીધી હતી આ અંગે પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ જણાવ્યું હતું કે મારી દીકરી રીના ઉર્ફે તુલસી ધવલભાઇ જરીવાલાએ ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ આપઘાત કરી લીધો હતો . મને એવું લાગે છે તેમના સાસરી પક્ષના લોકોએ તેને મારી નાખી તેની લાશને લટકાવી દીધી છે. મારી દીકરીની સગાઈ અમે અમારા સમાજના છોકરા સાથે કરાવી હતી, પરંતુ ધવલ સાથે તેની આંખ મળી ગઈ હતી, જેથી તેણે સમાજના છોકરા સાથે સગાઈ તોડવાની વાત અમને કરી હતી. અમે પહેલાં ના પાડી એટલે મારી દીકરીએ એક વખત દવા પી લીધી હતી, જેથી અમે સગાઈ તોડી નાખી હતી.
મને એમ થયું કે કાલ ઊઠીને વધારે મોટું બીજું પગલું ભરે એના કરતાં તેનું જ્યાં મન છે ત્યાં આપણે તેને પરણાવી દઈએ. જેથી મેં મારી દીકરીને ગમતો હતો એ છોકરો એટલે ધવલને મળવા બોલાવ્યો. ધવલ જરીવાલા સાથે વાત કરતાં ખબર પડી કે તે પોતે એડવોકેટ છે. અમને છોકરો સારો લાગ્યો એટલે અમે લગ્ન માટે હા પાડી, પરંતુ પહેલા જ મેં ધવલને જણાવી દીધું હતું કે મારી દીકરીનો સ્વભાવ થોડો તીખો છે અને અમે ગરીબ માણસ છીએ. નીચલી જાતના છીએ, તમે ઊંચી જાતના છો. એટલે ધવલે કહ્યું, હું બધું એડજસ્ટ કરી લઈશ.

અંદાજે દોઢથી બે વર્ષ પહેલાં બંનેએ કોર્ટ મેરેજ કર્યાં અને પછી અમારા સમાજના એસએમસીના સમૂહલગ્ન હતાં ત્યાં રીતરિવાજથી લગ્ન કરવામાં આવ્યાં હતાં. હાલમાં થોડા દિવસ પહેલાં મારી દીકરીને ગર્ભ રહ્યો હતો, પરંતુ તેનો ગર્ભ તેની સાસુ અને ફોઈએ કંઈક કરીને પડાવી દીધો હતો. મારી દીકરીને મારો જમાઈ ધવલ ખૂબ સાચવતો હતો અને તેના ફેવરમાં જ હતો, પરંતુ તેનાં સાસુ-સસરા, કાકા-કાકી, એની ફઈઓ તેને જાતિવિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરતાં હતાં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીને તેઓ મેન્ટલી ટોર્ચર કરતાં હતાં, આપઘાત કર્યો નથી, તેને મારીને લટકાવી દીધી છે, કેમ કે જ્યારે અમને ઘટનાની જાણ થઇ તો અમે ઘરે પહોંચ્યા ત્યારે તે લોકોએ લાશ નીચે ઉતારી લીધી હતી અને દુપટ્ટો પણ ફાડી નાખ્યો હતો. આ ઉપરાંત મારી દીકરીની ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલિટ કરાવી દીધી હતી અને બધા પુરાવાનો નાશ કરી દીધો છે. હાલ અમે ન્યાયની માગ કરી રહ્યા છે.

પોલીસે બંને પરિવારનાં નિવેદન લઈ તપાસ હાથ ધરી ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, પરિણીતા દ્વારા ગૃહકંકાસમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સાસરી અને પિયર બંને પક્ષનાં નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે. વધુ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.