લખનૌ,
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને સુભાસપા વચ્ચે વિવાદનો અંત થયો નથી. હવે એક નવો મામલો સામે આવ્યો છે જે બાદ બંને વચ્ચે ફરીથી તકરાર વધી રહી છે. મંગળવારે સપા કાર્યાલયની બહારનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સપા ઓફિસની બહાર ઓમ પ્રકાશ રાજભરના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે.
લખનૌ સ્થિત સપા કાર્યાલયની બહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સપા કાર્યાલયની બહાર એક પોસ્ટર લાગેલુ જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટર પર લખેલુ છે. ’’ઓમ પ્રકાશ રાજભર જી નું સમાજવાદી પાર્ટી કાર્યાલયમાં આવવુ પ્રતિબંધિત છે.’’ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ પોસ્ટર સમાજવાદી યુવજન સભા તરફથી લગાવવામાં આવ્યુ છે.
બંને પાર્ટીઓનું યુપી વિધાનસભા ચૂંટણીના સમયે ગઠબંધન થયુ હતુ પરંતુ ચૂંટણીનું પરિણામ આવ્યાના અમુક દિવસ બાદથી બંનેનું ગઠબંધન તૂટી ગયુ. આ દરમિયાન સુભાસપા પ્રમુખે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતુ. જે બાદ બંને પાર્ટીઓ વચ્ચે તકરાર ચાલુ છે.