સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવા રાજકારણ કરવું પડે, કોઈ મનમાં ન રાખતા’ : નરેશ પટેલ

રાજકોટ,

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં જેમને દરેક પાર્ટી પોતાના પક્ષમાં જોડાવવા માટે આતુર હતી એવા ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પ્રથમ રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી હતી. બાદમાં ૧૮૨ દિવસ સુધી ’નરો વા કુંજરો વા’ જેવું નિવેદન આપ્યા બાદ અંતે રાજકારણમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ અને પરિણામ આવ્યા બાદ પણ તેમણે કોઈ નિવેદન આપ્યું નહોતું. એ બાદ તાજેતરમાં સાકરિયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નરેશ પટેલે રાજકારણ મુદ્દે જાહેર મંચ પર એવું કહ્યું હતું કે અમારે સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવાનાં હોય છે. સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવા રાજકારણ કરવું પડે, કોઈ મનમાં ન રાખતા.

ખોડલધામ ખાતે આયોજિત યોજાયેલા સાકરિયા પરિવારના સ્નેહમિલનમાં પોતાની સ્પીચ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આમ તો ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ અને એમાં એક મા ખોડિયારના સુપુત્ર રમેશભાઈ ખૂબ મોટી ભવ્ય જીત લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો સમાજની વાત કરી એટલે અમારા જેવાને ખૂબ જ તકલીફ થાય છે. લોકો કહે છે કે સમાજમાં રહીને રાજકારણની વાત પણ કરો છો, પણ અહીં ઉપસ્થિત સાકરિયા પરિવારના લોકોને ખબર છે કે જો અમે રાજકારણ ન કરીએ તો અમારું કામ ક્યાંય થતું નથી. સમાજની જવાબદારી લઈને અમે બેઠા છીએ, માટે રાજકારણ કરવું પડે અને જરૂર પડે તો બોલવું પણ પડે છે. બધું થોડું થોડું જરૂરી છે એટલે કોઈ મનમાં ન રાખતા.

વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ કમર ક્સી હતી. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગે અટકળો વહેતી કરી હતી અને ૬ મહિના સુધી તેમણે રાજકારણમાં જોડાવવા અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નહોતું અને ૧૮૨ દિવસ બાદ કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે.

ઉલ્લેખનીય છે કે ખોડલધામના નરેશ પટેલને હરહંમેશ જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે ત્યારે જ સમાજ યાદ આવે છે. બરાબર ચૂંટણી પહેલાં જ સમાજના લોકોને એકઠા કરી બંધબારણે મીટિંગો કરે અને પોતે મૌન ધારણ કરી લેતા હોય છે. ચૂંટણી લડશે કે નહીં, ક્યાં પક્ષને ટેકો આપશે એની કોઈ ખૂલીને વાત પણ નથી કરતા. વર્ષ ૨૦૧૨ના ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના ૧૧ મહિના પહેલાં એટલે કે જાન્યુઆરી ૨૦૧૨માં કાગવડ ખાતે ખોડલધામની શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૧ લાખ પાટીદાર એકઠા થયા હતા. આ કાર્યક્રમ બાદ ઓગસ્ટ ૨૦૧૨માં કેશુભાઈ પટેલે ’ગુજરાત પરિવર્તન પાર્ટી’ની સ્થાપના કરી હતી, પરંતુ પરિણામ વિપરીત આવ્યાં હતાં.

ડિસેમ્બર ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી સમયે પણ નરેશ પટેલ મેદાનમાં ઊતર્યા હતા. આ વિધાનસભા ચૂંટણી પહેલાં તત્કાલીન પાસ નેતા હાર્દિક પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. મીટિંગ બાદ હાર્દિક પટેલે એવું ટ્વીટ કર્યું હતું કે નરેશભાઇ સાથે મારે ૧૫ મિનિટ ચર્ચા ચાલી. નરેશભાઇએ એવું કહ્યું હતું કે જે કરો એ ઇમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ.

વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં પણ નરેશ પટેલે કોઈને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દઉંની જાહેરાતો કરી હતી, તો બીજી તરફ તેના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લા મંચ પર પરથી ટેકો જાહેર કર્યો હોવા છતાં તમામ ઉમેદવારો હારી ગયા હતા. એ વખતે પણ વ્યક્તિગત સંબંધો છે એવું જણાવી રાજકારણ કર્યું જ હતું.