સમાજમાં નફરત ફેલાવી રહી હતી, યુપીમાં કા બા ફેમ સિંગર નેહા સિંહ રાઠોડને નોટિસ

લખનૌ,

ઉત્તર પ્રદેશની કાનપુર દેહાત પોલીસે દિલ્હીમાં તેના ઘરે ‘યુપી મેં કા બા’ ગાનાર બિહારની લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને નોટિસ પાઠવી છે. વાસ્તવમાં નેહાએ તાજેતરમાં કાનપુર દેહાત આગની ઘટના પર ‘કા બા સીઝન-૨’ ગીત ગાયું હતું. આરોપ છે કે તેણે ‘કા બા સીઝન-૨’ વીડિયો દ્વારા સમાજમાં નફરત ફેલાવવાનું કામ કર્યું છે. પોલીસે જારી કરેલી નોટિસમાં નેહાને સાત પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે, જેનો ખુલાસો ત્રણ દિવસમાં આપવાનું કહેવામાં આવ્યું છે. જો ત્રણ દિવસમાં તમામ પ્રશ્ર્નોના સંતોષકારક જવાબો નહીં મળે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.જો કે નેહાએ કહ્યું હતું કે હું કોઇનાથી ગભરાવવાની નથી.

નેહાને આપવામાં આવેલી નોટિસમાં પોલીસે તેને પૂછ્યું છે કે તેણે ગાયેલા ગીતો તેણે પોતે લખ્યા છે કે અન્ય કોઈએ. ગીતો લખવા અને ગાવાનો આધાર શું છે. જો ખુલાસો નહીં થાય તો પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. નેહાએ વિધાનસભા ચૂંટણી પહેલા જ ‘યુપી મેં કા બા’ ગીત ગાયું હતું.

પોલીસે નેહાને પ્રશ્ર્નો પૂછ્યા હતાં જે આ પ્રમાણે છે

વીડિયોમાં તમે પોતે છો કે નહીં.

જો તમે વિડિયોમાં સ્વયં છો, તો સ્પષ્ટ કરો કે આ વિડિયો તમારા દ્વારા ‘યુપી મેં કા બા સીઝન ૨’ નામની યુટ્યુબ ચેનલ પર અને ટ્વિટર એકાઉન્ટ પર તમારા પોતાના ઈમેલ આઈડીથી અપલોડ કરવામાં આવ્યો છે કે નહીં.

નેહા સિંહ રાઠોડ અને ટ્વિટર એકાઉન્ટ  @nehafolksinger  તમારું છે કે નહીં. જો હા, તો તમે તેનો ઉપયોગ કરો છો કે નહીં?

વીડિયોમાં વપરાયેલા ગીતના શબ્દો તમે લખ્યા છે કે નહીં.

જો આ ગીત તમારા દ્વારા લખાયેલું છે અને તમે તેને પ્રમાણિત કરો છો કે નહીં.

જો આ ગીત કોઈ બીજા દ્વારા લખવામાં આવ્યું છે, તો શું તમે લેખકની પુષ્ટિ ચકાસેલી છે કે નહીં.

ઉપરોક્ત ગીતમાંથી ઉત્પન્ન થયેલા અર્થની સમાજ પર શું અસર થશે તેનાથી તમે વાકેફ છો કે નહીં?

જણાવી દઈએ કે મંગળવારે સાંજે નેહા સિંહ રાઠોડે પોતાના ટ્વિટર એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર આ નોટિસ આપવાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નેહા સિંહ પોલીસકર્મીઓને પૂછતી જોવા મળે છે, ‘તમને આટલું બધી પરેશાન કોણ કરી રહ્યું છે?’ સવાલના જવાબમાં પોલીસકર્મીઓ કહે છે કે તમે પરેશાન છો, અમે ક્યાં પરેશાન છીએ. પછી થોડી ચર્ચા પછી, નેહા સિંહ રાઠોડ પોલીસકર્મીએ આપેલી નોટિસની નકલ મેળવવા માટે સહી કરે છે.