સમગ્ર ટૂર્નામેન્ટમાં કોઈપણ વિરોધી ટીમ ભારતીય ટીમને હરાવી શકી ન હતી.

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ૭ રનથી હરાવ્યું હતું. ભારતે ૧૭ વર્ષની લાંબી રાહ બાદ ટી ૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ની ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. હવે ટીમ ઈન્ડિયા ક્રિકેટમાં ચેમ્પિયન બની ગઈ છે.

ભારતીય ટીમે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમના તમામ ખેલાડીઓએ જીતમાં યોગદાન આપ્યું હતું અને સમગ્ર ટૂર્નામેન્ટમાં કોઈપણ વિરોધી ટીમ ભારતીય ટીમને હરાવી શકી ન હતી. ભારતે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોને હરાવી છે. ટીમ ઈન્ડિયાએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં સતત ૮ મેચ જીતી હતી. ટી ૨૦ વર્લ્ડ કપની કોઈપણ આવૃત્તિમાં એકપણ મેચ હાર્યા વિના ટી ૨૦ વર્લ્ડ કપની ટ્રોફી જીતનાર ભારત પહેલો દેશ બની ગયો છે. ટીમ ઈન્ડિયા પહેલા આવું કોઈ કરી શક્યું ન હતું. હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે એક રેકોર્ડ બનાવ્યો છે.

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાની સફર

આયર્લેન્ડ સામેની મેચ ૮ વિકેટે જીતી હતી

પાકિસ્તાન સામેની મેચ ૬ રને જીતી હતી

અમેરિકા સામેની મેચમાં ૭ વિકેટે જીત મેળવી હતી

અફઘાનિસ્તાન સામે ૪૭ રનથી જીત મેળવી હતી

બાંગ્લાદેશ સામે ૫૦ રનથી જીત મેળવી હતી

ઓસ્ટ્રેલિયા સામેની મેચ ૨૪ રને જીતી હતી

ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં ૬૮ રનથી જીત મેળવી હતી

દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં ૭ રનથી જીત મેળવી હતી