સમગ્ર મહિસાગર જીલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો ખુશ ખુશાલ લુણાવાડામાં સાડા પાંચ ઇંચ વરસાદ!

જ્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે અત્યાર સુધી લુણાવાડામાં માત્ર એક ઇંચ જેટલો જ વરસાદ પડ્યો હતો. ત્યારે આજ રોજ રાતના ત્રણ વાગ્યાથી લઈને અત્યાર સુધી લુણાવાડામાં એકલો જ સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. જેના કારણે લુણાવાડામાં આવેલ સાંઈ બંગલોઝના કંપાઉન્ડ ની દિવાલ તેમજ વરધરી રોડ પર આવેલ ખેતીવાડીની કચેરી અને વાંટા ગામના પ્રાથમિક શાળાની પણ કમ્પાઉન્ડની દિવાલ તૂટી પડી હતી. આમ, બસ સ્ટેન્ડની સામે આવેલ સુવિધા હોસ્પિટલ વાળી ગલીમાં આવેલ હોસ્પિટલ તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તથા તેમની આજુબાજુમાં આવેલ હોટલ રાધેની ગલીમાં આવેલ દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. જ્યારે લુણાવાડાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આદર્શ સ્કૂલની આજુબાજુના વિસ્તારોમાં અને રોડ પર પણ પાણી ભરાયા હતા.

તદ્દઉપરાંત હિંડોલીયા થી રામપુર પાદેડી જવાના માર્ગ ઉપર ગામમાં જતો કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, તેના કારણે હિંડોલીયા ગામે જવાના માર્ગને બંધ કરવાની પરિસ્થિતિ ઉદ્ભવી હતી. સમગ્ર મહિસાગર જીલ્લાની વાત કરીએ ત્યારે ખાનપુર 2.5 ઈંચ, કડાણા 1.5 ઇંચ,સંતરામપુર 2.5 ઇંચ, લુણાવાડા 5.5 ઇંચ,બાલાસિનોર 1 ઇંચ વરસાદ પડ્યો હતો. લુણાવાડામાં અત્યાર સુધી વરસાદ નહીવત પડ્યો હોવા છતાં નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની સુવિધાઓ સગવડો કરી ન હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે લુણાવાડા ની આજુબાજુના વિસ્તારો ગામડાઓમાં વરસાદ પડવાથી જે પાક સુકાઈ રહ્યો હતો, તે હવે નવું જીવન પ્રાપ્ત થઈ રહ્યો છે. સમગ્ર મહીસાગર જીલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જેના કારણે મહીસાગર માં રહેતા રહીશો અને ખેડૂતોમાં ખુશીની લહેર થઈ હતી.