
નવીદિલ્હી, સમગ્ર દેશ કુદરતના દ્વિપક્ષીય હુમલાનો સામનો કરી રહ્યાં છે એક તરફ આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે તો બીજી તરફ રેમલ ચક્રવાતી તોફાન પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી રહ્યું છે એક તરફ દેશમાં ગરમીના કારણે લોકોના મોતના અહેવાલો છે તો બીજી તરફ ચક્રવાતના કારણે લગભગ ૮ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દેશના બે અલગ-અલગ ભાગો અત્યારે પ્રકૃતિના બે અલગ-અલગ માર ઝિલી રહ્યા છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં સતત ૧૦મા દિવસે પણ આકરી ગરમીનો કહેર યથાવત છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૪૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પણ ૩૨ ડિગ્રીની આસપાસ રહ્યું છે. રાત્રીના સમયે પણ લોકો ઘરની બહાર નીકળતા જ ગરમ પવનનો અહેસાસ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે રાજસ્થાનમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત અને હરિયાણામાં ગરમી કહેર મચાવી રહી છે.
હાલ આ રાજ્યો માટે હવામાનમાં રાહતની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી ૪ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જયારે બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ ના ઈન્દોર અને છત્તીસગઢના કોંડાગાંવમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. બિહારના ૧૨ જિલ્લામાં ૨૭-૨૮ મેના રોજ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગે ત્રિપુરા અને કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
અહીં પવનની ગતિ એટલી બધી હતી કે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત રેમલની અસર ભારતના દરિયાકાંઠાના રાજ્ય પશ્ચિમ બંગાળ અને તેની નજીકના રાજ્યો બિહાર, ઓડિશા અને ઝારખંડમાં જોવા મળી રહી છે. હવામાનના જોખમને જોતા કોલકાતા એરપોર્ટને હાલમાં સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે અને દરેક જગ્યાએ નજર રાખી રહી છે.હવામાન વિભાગે કહ્યું છે કે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ શરૂ થયું છે. ’રેમલ’ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે જેને કારણે ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે.હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. ગવર્નરએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં પીએમ મોદીએ આ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી. બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૧ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે સુંદરવન અને સાગર ટાપુઓ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ ૧.૧૦ લાખ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે.
ચક્રવાત પછીની પરિસ્થિતિનો સામનો કરવા માટે કોલકાતામાં લગભગ ૧૫,૦૦૦ નાગરિક કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. હવામાન કચેરીની નવીનતમ માહિતી અનુસાર ચક્રવાતના કારણે ૬૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત પ્રધાન મોહમ્મદ મોહિબુર રહેમાને જણાવ્યું હતું કે ચક્રવાત ખતરાનો સામનો કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી છે. મોહિબુરે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્રે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૪ હજાર સાઇક્લોન સેન્ટર આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે અને સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને પણ અસ્થાયી આશ્રયસ્થાનોમાં પરિવતત કર્યા છે.
તેમણે કહ્યું કે દરિયાકાંઠાના જિલ્લામાં ચક્રવાત ’રેમાલ’નો સામનો કરવા માટે ચક્રવાત તૈયારી કાર્યક્રમ હેઠળ ૭૮ હજાર સ્વયંસેવકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. દરમિયાન પૂર્વ બર્દવાન, પશ્ચિમ મિદનાપુર, બીરભૂમમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાત રેમલને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે શાલીમાર રેલ્વે સ્ટેશન પર સાંકળો અને તાળાઓની મદદથી ટ્રેનોને રેલ્વે ટ્રેક સાથે બાંધી દેવામાં આવી છે જેથી તેજ પવનને કારણે ટ્રેનો લપસી ન જાય.
પશ્ચિમ બંગાળના કાંઠે રેમલ વાવાઝોડું ટકરાયું છે. રેમલ વાવાઝોડાના કારણે બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી છે. પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તોફાની અને ભારે પવન સાથે ચોમેર વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહિ, ૧૨૦થી ૧૩૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ પતરા-વૃક્ષો ધરાશાયી થયા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ, મોઘાલયમાં પણ અતિભારે વરસાદ રહેશે. વાવાઝોડના કારણે કોલકાતામાં અનેક જગ્યાએ વીજળી ઠપ્પ થઈ છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ થયો ચક્રવાતની અસરને પગલે ૨૮ તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે.
ગુજરાતમાં ૭થી ૧૪ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમલને લઇ સુરત-કોલકાતાની આજની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ચક્રવાતની ગંભીર સ્થિતિને લઇ કોલકાતા એરપોર્ટ બંધ કરાઈ છે. ફ્લાઈટ દર સોમવારે ૮:૩૫ એ સુરતથી ઉડાન ભરે છે. આગામી ૨૧ કલાક સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્યણ લેવામાં આવ્યો છે.ચક્રવાત રેમાલે રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશના મોંગલાના દક્ષિણ-પશ્ચિમ ભાગ દ્વારા ભારતના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરવાનું શરૂ કર્યું હતું.
બાંગ્લાદેશી અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં વહી જવાથી એક યુવાનનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે, અને દક્ષિણ-પૂર્વીય પટુઆખાલીમાં ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૫૦ થી વધુ મુસાફરોને લઈ જતી બોટ, ક્ષમતા બમણી, તોફાનના માર્ગમાં મોંગલા બંદર નજીક ડૂબી ગઈ હતી. તેમાં સવાર લોકો સલામત સ્થળ તરફ ભાગી રહ્યા હતા. જો કે, કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોય તેવા લોકોને બચાવી લેવાયા હતા.ગંભીર ચક્રવાતી તોફાન ’રેમાલ’ રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને સત્તાવાળાઓએ દેશના નીચાણવાળા દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા. ગંભીર ચક્રવાતી તોફાન ’રેમલ’ રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને સત્તાવાળાઓએ દેશના નીચાણવાળા દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા.