નવીદિલ્હી,
દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે અને ૧૫ વર્ષના ભાજપના સત્તાના હટાવીને આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું છે. ૨૫૦ બેઠકોમાંથી આપને ૧૩૪ બેઠકો મળી છે જયારે ભાજપને ૧૦૪ બેઠકો મળી છે જયારે કોંગ્રેસ પાર્ટીને સમગ્ર દિલ્હીએ રામ રામ કહી દીધા છે અને તે માત્ર ૯ બેઠકો પર સમેટાઇ ગઇ છે. જો કે, શાહીન બાગમાંથી આમ આદમી પાર્ટીને નિષ્ફળતા મળી છે. શાહીનબાગ અને ઝાકિરનગરમાં કોંગ્રેસે જીત મેળવી છે. ઝાકિરનગર વોર્ડમાંથી કોંગ્રેસના નાઝિયા દાનિશે જીત મેળવી છે. તો વળી અબુલ ફઝલ એન્કલેવ (શાહીનબાગ)થી કોંગ્રેસના અરીબા ખાને જીત નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, શાહીન બાગ જે વોર્ડમાં આવે છે, તેનું નામ અબુલ ફઝલ એન્કલેવ છે.
આપને જણાવી દઈએ કે, શાહીન બાગ નાગરિક્તા સંશોધન કાનૂન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બનીને ઊભરી આવ્યું હતું. આ સમગ્ર વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો છે. એમસીડી ચૂંટણીની વાત કરીએ તો, અહીં કડક સુરક્ષા વચ્ચે મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં દિલ્હી પોલીસ, અર્ધ સૈનિક દળના જવાનોની સાથે ઉત્તર પ્રદેશથી આવેલા હોમગાર્ડ્સને તૈનાત કર્યા હતા.