બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેની ફિલ્મો કરતા વધારે ફાયરિંગ કેસને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. જ્યારથી તેમના બાંદ્રા સ્થિત ઘર પર ફાયરિંગ થયું છે ત્યારથી આ મામલે અનેક ખુલાસા થઈ રહ્યા છે. દેખીતી રીતે, વહેલી સવારે સલમાનના ઘરની બહાર ૫ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે ખાન પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો. આ કેસની તપાસ કરતી વખતે મુંબઈ પોલીસે બે બાઇક સવારોની ધરપકડ કરી હતી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્ર્નોઈએ લીધી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે, જ્યારે જેલમાં બંધ એક શૂટરે ચોંકાવનારો દાવો કર્યો છે.
માહિતી અનુસાર શૂટર વિકી ગુપ્તાએ કહ્યું છે કે તે દિવસે તેને સલમાન ખાનના ઘરે ગોળીબાર કેમ કર્યો? વિકીએ કહ્યું કે તેનો ઈરાદો અભિનેતાને મારવાનો બિલકુલ નહોતો. તે ફક્ત તેમને ડરાવવા માંગતો હતો. એટલું જ નહીં, વિકીએ કહ્યું કે આ ઘટનામાં લોરેન્સ બિશ્ર્નોઈનો કોઈ હાથ નથી. તે બિશ્ર્નોઈને પોતાની મૂત માને છે અને તેમના આદર્શોને અનુસરે છે. તેનાથી પ્રેરિત થઈને તેણે આ કર્યું.
શૂટર વિકી ગુપ્તાએ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ મુંબઈની એક કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ સાથે તેણે કહ્યું કે સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં લોરેન્સ બિશ્ર્નોઈની બિલકુલ સંડોવણી નથી. તે ઊંડે ૠણમાં ડૂબી ગયો હતો, જેના કારણે તેને ગુના કરવાની ફરજ પડી હતી. વિકીએ વધુમાં જણાવ્યું કે તેણે આ બધુ કાળા હરણનો શિકાર કરતા અભિનેતા સલમાન ખાનને ડરાવવા માટે કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૮માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. આ કેસથી સલમાન લોરેન્સ બિશ્ર્નોઈના નિશાના પર છે. લોરેન્સે આ મામલે અભિનેતાને ઘણી વખત ધમકી પણ આપી છે. તેનું કહેવું છે કે જો સલમાન ખાન કાળા હરણના શિકાર માટે માફી માંગે તો તે તેને છોડી દેશે.