
મુંબઇ,સલમાન ખાનના ઘરની બહાર થયેલ શૂટિંગના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બીજી એક કાર્યવાહી કરી છે. જેમાં ગેંગસ્ટર રોહિત ગોદારને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. ગયા મહિને સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. જેથી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ ૧૪ એપ્રિલના રોજ સલમાનના ઘર આગળ થયેલ ફાયરિંગના મામલામાં રોહિત ગોદારની વિરૂદ્ધ કેસ દાખલ કરાયો છે. તપાસમાં તેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધી ૬ આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યા છે તો હજુ પણ ૪ આરોપીની શોધખોળ થઈ રહી છે.
આ કેસમાં અત્યાર સુધી વિક્કી ગુપ્તા, સાગર પાલ, અનુજ થાપન, સોનું સુભાષ ચંદર, મોહમ્મદ ચોધરી, અને હરપાલ સિંહની ધરકપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ચોધરી પર આરોપ છે કે તેને સાગર પાલ અને વિક્કી ગુપ્તાને પૈસા પોંહચાડ્યા હતા અને સલમાનના ઘરની રેકી કરવામાં પણ મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હરપાલ સિંહને હરિયાણાના ફતેહાબાદથી પકડવામાં આવ્યો હતો. તેને મોહમ્મદ ચોધરીને રેકી કરવા કહ્યું હતું. જેમાં ફાયરિંગના બે દિવસ પેહલા એટલે કે ૧૨મી તારીખે ચોધરીએ રેકી કરી હતી. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.