
કોલકાતા, બોલિવૂડ એક્ટર સલમાન ખાન ૧૪ વર્ષ બાદ શનિવારે કોલકાતા પહોંચ્યા હતા. અહીં અભિનેતાએ ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબના મેદાનમાં ’દબંગ ધ ટૂર રિલોડેડ’ નામના લાઈવ શોમાં પરફોર્મ કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમને ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબના અધિકારીઓએ આમંત્રણ આપ્યું હતું.

આ પહેલા સાંજે સલમાને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેમના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ અભિનેતાનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. પછી બંનેએ એકબીજાને હાથ જોડી અભિવાદન કર્યું. આ પછી બંનેએ ઘરની બહાર હાજર લોકોનું અભિવાદન સ્વીકાર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે સીએમને મળવા માટે સમય માંગ્યો હતો.અભિનેતા સલમાન ખાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં બંનેએ એકબીજાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી.
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે ટ્વીટ કર્યું કે સલમાન ખાન ૧૩ મેના રોજ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘરે જશે. તેમને મળ્યા બાદ તેઓ ઈસ્ટ બંગાળ મેદાનમાં એક મેગા શો કરશે. અભિનેતા લગભગ ૧૪ વર્ષ પછી કોલકાતા આવ્યા છે. હાલમાં જ તેમને મળેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોલકાતા પોલીસે પણ અલગથી ખાસ વ્યવસ્થા કરી છે.
સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ કારણે તેમની કોલકાતાની મુલાકાતમાં વિલંબ થયો હતો. તેમનો કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો, પરંતુ ધમકીઓને કારણે તેમનું આવવાનું ટાળવામાં આપ્યું હતું.