સલમાન ખાનનો સાથ આપવા બદલ રાખી સાવંત આવી લોરેન્સ ગેંગના નિશાને, મારી નાખવાની ધમકી આપી

મુંબઇ,બોલીવુડ એક્ટ્રેસ રાખી સાવંત અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. રાખી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. રાખી સાવંતનું કહેવું છે કે તેને લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ સાથે તેનું કહેવું છે કે ધમકીમાં તેને સલમાન ખાનથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે અને એ પણ કહ્યું છે કે તે સલમાનને મુંબઈમાં જ સિક્યોરીટી સાથે મારી નાખશે.

રાખી સાવંતને લોરેન્સ બિશ્ર્નોઈ તરફથી જે મેઈલ આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે, ’રાખી, અમારે તારી સાથે કોઈ ઝઘડો નથી, સલમાન ખાનના મેટરમાં પડશો નહી. નહીંતર તને ઘણી પ્રોબ્લેમનો સામનો કરવો પડશે અને અમે તારા ભાઈ સલમાનને મુંબઈમાં જ મારી નાખીશું. ભલે તે ગમે તેટલી સિક્યુરિટી વધારે, આ વખતે આબર તેને સિક્યુરિટી સાથે મારશે. આ છેલ્લી વોર્નિંગ છે રાખી, નહીંતર તું પણ તૈયાર રહેજે. સેન્ડ બાય ગુર્જર પ્રિન્સ.’

રાખીએ જવાબમાં લોરેન્સ બિશ્ર્નોઈને સલમાન ખાનને છોડી દેવા કહ્યું છે અને તેને આ ધમકીઓથી દૂર રાખવા માટે પણ કહ્યું છે. રાખીએ કહ્યું, ’આ એક ગંભીર મામલો છે, હું આ જોઈને હેરાન છું. હું હંમેશા સલમાન ભાઈ વિશે વાત કરું છું અને પ્રાર્થના કરું છું કે તેમની સાથે કંઈ ન થાય. સિદ્ધુ મુસેવાલા સાથે જે થયું તે સલમાન ભાઈ સાથે ન થવું જોઈએ. તેથી હું બિશ્ર્નોઈ ગ્રુપને વિનંતી કરું છું કે હું તમારી બહેન જેવી છું, પ્લીઝ મારાથી ગુસ્સે થશો નહીં અને અમને તમારા ગુસ્સા અને આ હત્યાથી છોડી દો.’ જયારે રાખીથી પૂછવામાં આવ્યું કે તે મામલે પોલીસ પાસે જઈ ફરિયાદ નોંધાવશે ? રાખીએ આના જવાબમાં કહ્યું, ’મને પોલસ પાસે જઈને શું મળશે? એક ફરિયાદ નોંધાવવા માટે આખો દિવસ રાહ જોવી પડશે અને ખબર નહી કે મને સિક્યોરીટી મળશે કે નહી.’