બોલિવૂડ એક્ટર સલમાન ખાનની હત્યાનું કાવતરાના તાર હરિયાણા સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હરિયાણાના ભિવાની સીઆઇએ સ્ટાફ-૨ અને નવી મુંબઈ પોલીસની ટીમે રવિવારે રાત્રે સંયુક્ત ઓપરેશનમાં અભિનેતા સલમાન ખાનની હત્યાના કાવતરાના કેસમાં વોન્ટેડ આરોપીની ભિવાનીમાંથી ધરપકડ કરી હતી. તેની ઓળખ તિગરાના ગામના દીપક ઉર્ફે જોની તરીકે થઈ છે. આગળની કાર્યવાહી માટે તેને નવી મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે.
ભિવાની સીઆઈએ સ્ટાફ-૨ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વર્ષ ૨૦૨૪માં પનવેલ સિટી નવી મુંબઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ અંતર્ગત નવી મુંબઈ પોલીસે સલમાન ખાનની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવીને ૫ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.
અભિનેતા સલમાન ખાનના ઘર અને ફાર્મ હાઉસને ફરીને તેની હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. ભિવાની સીઆઈએ સ્ટાફ-૨ને નવી મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળી હતી કે ભિવાનીના તિગદાના ગામનો રહેવાસી વ્યક્તિની પણ હત્યાના કાવતરામાં ભૂમિકા હતી. સીઆઇએ સ્ટાફ-૨ ભિવાનીની ટીમ અને નવી મુંબઈ પોલીસની સંયુક્ત ટીમે આ કેસમાં આજે રાત્રે ભિવાનીમાંથી એક આરોપીની ધરપકડ કરી છે.
ટીમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ તિગડાના ગામ રહેવાસી હવા સિંહના પુત્ર દીપક ઉર્ફે જોની તરીકે થઈ છે. આરોપી દીપક ઘણા વર્ષોથી નવી મુંબઈમાં રહેતો હતો. તે એવા આરોપીઓના સંપર્કમાં હતો જેઓ સલમાન ખાનના ઘર અને ફાર્મ હાઉસની રેકી અને હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેના સાથીઓની ધરપકડ બાદ તે ભાગીને ભિવાની આવી ગયો હતો. ઘણા સમયથી અહીં છુપાયેલો હતો. મુંબઈ પોલીસ પણ તેનો પીછો કરતા અહીં પહોંચી હતી. આરોપી દીપકને નવી મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે.