સલમાન ખાનની ફિલ્મ ‘રેડી’ના પ્રોડ્યૂસર નીતિન મોહને હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા

મુંબઈ,

બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યૂસર નીતિન મનમોહનનું આજે એટલે કે ૨૯ ડિસેમ્બરના રોજ મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ ૩ ડિસેમ્બરથી હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને હાર્ટ અટેક આવ્યો હતો. પ્રોડ્યૂસર કલીમ ખાને નીતિન મનમોહનના અવસાનના ન્યૂઝની પુષ્ટિ કરી હતી. છેલ્લા ૧૫ દિવસથી નીતિન મનમોહન વેન્ટિલેટર પર હતા. નીતિન મનમોહન કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ હતા.

નીતિન મનમોહનનો દીકરો સોહમ દુબઈમાં રહે છે. તે ત્રણ નવેમ્બરના રોજ ભારત આવ્યો હતો. ત્યારથી તે સતત હોસ્પિટલમાં પિતાની સારવાર કરતો હતો. નીતિન મનમોહન હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે એક્ટર અક્ષય ખન્ના હોસ્પિટલમાં આવ્યો હતો. બંને સારા મિત્રો હતા. બંનએ ’ગલી ગલી ચોર હૈ’, ’દીવાનગી’ અને ’સબ કુશલ મંગલ’ જેવા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે નીતિન બોલિવૂડના ફેમસ એક્ટર મનમોહનનો પુત્ર છે. મનમોહન ’બ્રહ્મચારી’, ’ગુમનામ’ અને ’નયા જમાના’ જેવી ફિલ્મથી લોકપ્રિય થયા હતા. પિતાની જેમ નીતિન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. દિવંગત અભિનેતા મનમોહને મોટે ભાગે વિલનની ભૂમિકાઓ ભજવી હતી અને આ ભૂમિકાથી તેમને વિશેષ ઓળખ મળી હતી. નીતિન મનમોહનને અભિનય ઉપરાંત ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં પણ રસ હતો. તેમણે અત્યારસુધીમાં ઘણી ફિલ્મનું નિર્માણ કર્યું છે.

નિર્માતા તરીકે નીતિન મનમોહનની ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો તેમની ૧૯૯૨માં રિશી કપૂર અભિનિત ’બોલ રાધા બોલ’, ૧૯૯૭માં સુનીલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી અને ફરાઝ ખાન અભિનીત ’પૃથ્વી’ અને ૨૦૧૧માં સલમાન ખાન સ્ટારર ’રેડી’ રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તેમણે ’આર્મી’, ’શૂલ’, ’દસ’, ’યમલા પગલા દિવાના’ જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. એક્ટર તરીકે નીતિન મનમોહને ટીવી સિરિયલ ’ભારત કે શહીદ’માં ચંદ્રશેખર આઝાદની ભૂમિકા ભજવી હતી.

નીતિને ડોલી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો સોહમ તથા દીકરી પ્રાચી છે. દીકરીનાં નામ પરથી તેમણે ફેશન સ્ટોરનું નામ ’પ્રાચીન્સ’ રાખ્યું છે.