સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ 17’ ટીઆરપી ચાર્ટની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહ્યો છે. શોના દરેક એપિસોડમાં દર્શકોને ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. બિગ બોસની વર્તમાન સિઝન ઘણા કારણોસર સતત ચર્ચામાં છે. ખાનઝાદી અને અભિષેક કુમાર વચ્ચેના સતત બદલાતા સંબંધો હોય કે પછી અંકિતા લોખંડે અને વિકી જૈનનો અજીબોગરીબ પ્રેમ, સલમાન ખાનનો શો છેલ્લા કેટલાક અઠવાડિયાથી દરેક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. બિગ બોસના આ અઠવાડિયાના નોમિનેશન ટાસ્કમાં ફેન્સે ધાર્યું હતું કે આ વખતે બિગ બોસના ઘરમાંથી કોઈ કન્ટેસ્ટેન્ટને બહાર કરવામાં આવશે નહીં. પરંતુ દરેકના અનુમાનને ખોટા સાબિત કરીને મેકર્સે ખાનઝાદીને બહારનો રસ્તો બતાવી દીધો છે.
આ અઠવાડિયે ખાનઝાદીની સાથે સાથે અંકિતા લોખંડેના પતિ વિકી જૈન, ફેમસ ટીવી અભિનેતા નીલ ભટ્ટ અને અભિષેક કુમારને ઘરમાંથી બહાર કાઢવા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ અને તે પહેલાથી જ એક રિયાલિટી શો કરી ચૂકેલી ખાનઝાદીને દરેક લોકો સુરક્ષિત માને છે. પરંતુ ‘વીકેન્ડ કે વાર’ પર સલમાન ખાને જાહેરાત કરી કે ખાનઝાદીની બિગ બોસની સફર સૌથી ઓછા વોટ મળવાને કારણે સમાપ્ત થઈ ગઈ છે.
છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખાનઝાદી બિગ બોસના ઘરમાં કહેતી જોવા મળી હતી કે તેણે શોમાંથી બહાર જવું છે. તેણે તમામ કન્ટેસ્ટેન્ટની સામે કહ્યું હતું કે તેનું મેન્ટલ હેલ્થ સારી નથી અને તેના કારણે તે શોમાં વધુ સમય સુધી રહેવા માંગતી નથી. એવું લાગે છે કે આખરે ફેન્સે ખાનઝાદીની વિનંતી સાંભળી અને ખાનઝાદીને શોમાંથી બહાર કરી દીધી.