બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં ૧૪ એપ્રિલે સવારે ફાયરિંગ થયું હતું. મામલો પોતાના હાથમાં લઈ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. લોરેન્સ બિશ્નોઇએ ઘણા વર્ષો પહેલા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. બાઇક પર આવેલા આરોપીએ સલમાન ખાનના ઘરે ગોળીબાર કર્યો અને પછી ભાગી ગયો. મુંબઈ પોલીસે તમામ પ્રયાસો કરીને આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સલમાન ખાનનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આમાં સલમાન ખાને આપેલા નિવેદનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે મેં ફટાકડા જેવો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ સવારે લગભગ ૪.૫૫ વાગ્યે પોલીસ બોડીગાર્ડે જણાવ્યું કે બાઇક પર સવાર બે લોકોએ ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કનીમાં ગોળીબાર કર્યો હતો. આ પહેલા પણ તેણે મને અને મારા પરિવારને નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. મને જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્ર્નોઈએ સોશિયલ મીડિયા દ્વારા હુમલાની જવાબદારી લીધી છે. તેથી, હું માનું છું કે લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના લોકોએ મારી બાલ્કનીમાં ગોળીબાર કર્યો હતો.
સલમાન ખાને વધુમાં કહ્યું કે તેને જાણ થઈ કે લોરેન્સ બિશ્ર્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્ર્નોઈએ ફેસબુક પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી લીધી છે. આ પહેલા પણ લોરેન્સ બિશ્ર્નોઈ અને તેની ગેંગના સભ્યોએ એક ઈન્ટરવ્યુમાં મને અને મારા પરિવારને મારી નાખવાની વાત કરી હતી. અભિનેતાએ કહ્યું કે મારા પરિવારના સભ્યો અંદર સૂતા હતા ત્યારે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તેઓએ મને અને મારા પરિવારને મારી નાખવાની યોજના બનાવી હતી. આ કારણોસર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
૪ જૂને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાન અને તેના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે સલમાન ખાનનું ચાર કલાક સુધી નિવેદન નોંધવામાં આવ્યું. તે જ સમયે, લગભગ ૨ કલાક સુધી અરબાઝ ખાનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. સલમાન ખાને માત્ર ગોળીબારના દિવસ વિશે જ નથી જણાવ્યું પરંતુ તેને અગાઉ મળેલી ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સલમાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું કે વર્ષ ૨૦૨૨માં તેના પિતા સલીમ ખાનને તેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગની સામેની બેન્ચ પર તેને અને તેના પરિવારને ધમકી આપતો પત્ર મળ્યો હતો.
આ પછી, માર્ચ ૨૦૨૩ માં, મારી ટીમના એક કર્મચારી તરફથી મારા સત્તાવાર ઇમેઇલ પર એક ઇમેઇલ આવ્યો જેમાં મને અને મારા પરિવારને લોરેન્સ બિશ્ર્નોઈ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ સંદર્ભે મારી ટીમના સભ્યએ તાત્કાલિક બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં બે લોકોએ નકલી નામ અને ઓળખનો ઉપયોગ કરીને પનવેલમાં તેના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે તેણે પોતાના પરિવારના સભ્યો અને સંબંધીઓને હંમેશા એલર્ટ રહેવા કહ્યું છે.