
મુંબઇ,
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ૨૭ ડિસેમ્બરે પોતાના જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કર્યા છે. સલમાનના જન્મદિવસ નિમિત્તે એક ગ્રાન્ડ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના તમામ ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સંગીતા બિજલાની પણ આ પાર્ટીનો ભાગ બની હતી. આ દરમિયાન સલમાન ખાન સંગીતા બિજલાનીને ક્સિ કરતો જોવા મળ્યો હતો.
સંગીતા બિજલાનીનું નામ ઘણા સમયથી સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલું છે. આ દરમિયાન સલમાનના ૫૭માં જન્મદિવસ પર સંગીતા પણ સલમાન સાથે જોવા મળી હતી. આ પ્રસંગની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને કાર સુધી બહાર મૂકવા આવ્યો છે. આ દરમિયાન સલમાન સંગીતાને ગળે લગાડતો અને કપાળ પર ચુંબન કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ લેટેસ્ટ તસવીરો પરથી હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું સલમાન ખાન અને સંગીતા બિજલાની ફરી એકબીજાના પ્રેમમાં પડ્યા છે. બધે જ ચર્ચા છે કે કદાચ ભાઈજાન ફરીથી સંગીતાના પ્રેમમાં પડી ગયા છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સલમાન અને સંગીતા તાજેતરમાં જ સાથે દેખાયા હોય. આ પહેલા પણ સલમાન અને સંગીતાને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે.
સલમાન ખાન અને સંગીતા બિજલાની એક સમયે બી-ટાઉનનું સૌથી ફેવરિટ કપલ માનવામાં આવતું હતું. કહેવાય છે કે આ બંને વચ્ચેનો સંબંધ લગભગ ૧૦ વર્ષ સુધી ચાલ્યો હતો. સલમાન ખાને પણ ફિલ્મ નિર્માતા કરણ જોહરના શોમાં કબૂલ્યું હતું કે તે સંગીતા બિજલાની સાથે લગ્ન કરવાનો હતો, જેના માટે લગ્નના કાર્ડ પણ છપાયા હતા. સલમાન અને સંગીતા વચ્ચેના અંતરનું કારણ અભિનેત્રી સોમી અલી હતી. કહેવાય છે કે સલમાન અને સોમીની વધતી નિકટતાને કારણે સલમાન અને સંગીતાનું બ્રેકઅપ થઈ ગયું હતું. જો કે હવે બંને ફરી એક બીજા સાથે જોવા મળી રહ્યા છે.