ટાઈગર 3ની રિલીઝ પહેલા સલમાન ખાન (Salman Khan)ની વધુ એક નવી ફિલ્મની માહિતી સામે આવી છે. અહેવાલ છે કે, તેણે કરણ જોહર અને નિર્દેશક વિષ્ણુ વર્ધન સાથે હાથ મિલાવ્યા છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઈગર 3ની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તેની ફિલ્મ આ વર્ષે 10 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે, જેમાં સલમાન એક્શન અવતારમાં જોવા મળશે. આ સિવાય સલમાન હવે વધુ એક નવી એક્શન ફિલ્મ માટે ચર્ચામાં આવી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું નિર્દેશન વિષ્ણુ વર્ધન કરશે અને કરણ જોહર તેને પ્રોડ્યુસ કરશે.
પિંકવિલાના રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સલમાન, કરણ જોહર અને વિષ્ણુ વર્ધન છેલ્લા 6 મહિનાથી એક એક્શન ફિલ્મ માટે વાતચીત કરી રહ્યા હતા. ટાઇગર 3 પછી સલમાન આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે, જે અલગ-અલગ શેડ્યૂલમાં 7 થી 8 મહિના સુધી ચાલશે. સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રી-પ્રોડક્શનનું કામ આ મહિનાથી જ શરૂ થવાનું છે.
હજુ સુધી સત્તાવર મહિતી આપવામાં આવી નથી. પરંતુ રિપોર્ટની વાત માનીએ તો આ ફિલ્મ ક્રિસમસ 2024ના દિવસે સિનેમાઘરોમાં આવશે. તમને જણાવી દઈએ કે, વિષ્ણુ વર્ધન સાઉથ સિનેમાના મશહુર ડાયરેક્ટર છે. જો સલમાન ખાનની સાથે તે ફિલ્મ બનાવે છે તો આ તેની બીજી હિન્દી ફિલ્મ હશે. આ પહેલા તેમણે 2021માં રિલીઝ થયેલી શેરશાહને ડાયરેક્ટ કરી હતી. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં હતા.
વર્ષ 1998માં કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈ રિલીઝ થઈ હતી, જેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મમાં સલમાન ખાન પણ હતો. તેણે કેમિયો રોલ કર્યો હતો. આવી સ્થિતિમાં 25 વર્ષ બાદ ફરી એકસાથે આવવાના સમાચાર છે. જોકે, સલમાન આ વર્ષે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં કેમિયો રોલમાં જોવા મળ્યો હતો. હવે કિંગ ખાન તેની ટાઈગર 3માં કેમિયો કરશે. ફિલ્મમાં ભાઈજાનની સામે કેટરીના કૈફ છે.