શહેરા, મોરવા(હ)તાલુકાના સાલીયા (સંતરોડ)ગામના એસ.ટી.સ્ટેન્ડમાં બસ નહિ આવતી હોવાથી બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયુ છે. જેના કારણે મુસાફરોને બસ માટે અમદાવાદ-ઈન્દોૈર હાઈવે પર રોડની સાઈડમાં ઉભા રહેવુ પડે છે.
સંતરોડ(સાલીયા)ગામમાં એસ.ટી.બસ સ્ટેન્ડની યોગ્ય સુવિધા વિના મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગામમાંથી અમદાવાદ-ઈન્દોૈર નેશનલ હાઈવે પસાર થાય છે. જેના નવીનીકરણ દરમિયાન અહિં ઓવરબ્રિજનુ નિર્માણ થયુ હતુ. અને ત્યારથી વર્ષો અગાઉ ધમધમતુ એસ.ટી.સ્ટેશન ખંડેરમાં ફેરવાયુ છે. અહિં માત્ર પાસ કાઢવા માટેની જ કામગીરી થતી હોય છે. અને હાલ આ બસ સ્ટેશનમાં માત્ર દે.બારીઆ ડેપોમાંથી ગોધરા તરફ આવતી બસ જ સંતરોડ જુના બસ સ્ટેશનમાં અવર જવર કરતી હોય છે. જયારે અન્ય બસ અહિં આવતી નથી. જેથી મુસાફરો પણ જુના બસ સ્ટેન્ડમાં જવાનુ ટાળી રહ્યા છે. બજારથી દુર હોવાથી મુસાફરો નાછુટકે ખાનગી વાહનોનો સહારો લેતા હોય છે. હાલ તમામ બસ સંતરોડ ચાર રસ્તા ઉપર ઉભી રહેતી હોઈ મુસાફરોને ફરજીયાત ખુલ્લામાં હાઈવે રોડ પર બસની રાહ જઈ ઉભા રહેવુ પડે છે.જેમાં અકસ્માતનો પણ ભય રહે છે. માટે અહિં દાહોદ અને સંતરામપુર માર્ગ ઉપર પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવા માટેની માંગ કરાઈ છે.