બોટાદ: સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી’કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટની વિશાળ મૂર્તિ નીચેના ભીંત ચિત્રો અંગે વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે પોલીસ ફરિયાદમાં ફરિયાદી તરીકે જેનું નામ છે તે વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ફરિયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચર અનેક ખુલાસા કરી રહ્યા છે. તેમણે મોટો આક્ષેપ લગાવી રહ્યા છે કે, મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારુ નામ ઉમેરાયું છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધારે વકરશે તેવી સંભાવના છે.
સાળંગપુર ભીંતચિત્રો પર કાળો રંગ કરનાર હર્ષદભાઈ ગઢવી કેસના ફરીયાદીએ વીડિયો બનાવીને અનેક ખુલાસા કર્યા છે. ફરીયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે ખુલાસો કરતા જણાવ્યુ છે કે, હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંતચિત્રો પર કાળો રંગ કરવાની ઘટના બની ત્યારે હું ડયુટી પર ત્યાં જ હતો. બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછ્યું હતુ કે તમે ત્યાંજ હતો? ત્યારબાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહિ કરાવી હતી. જે બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે, મને ફરીયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે. જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી.
આ સાથે તે એમ પણ જણાવે છે કે, ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું. ભીંત ચિત્રોને કલર કરવાના કેસના ફરીયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે વીડિયો બનાવી સોશીયલ મીડીયામા વાયરલ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, સાળંગપુર મંદિરમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભુપતભાઈ ખાચરે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની નીચે બનેલાં ભીંતચિત્રો પર કાળી શાહી લગાડી તેને નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે. તેને રોકનાર લોકોને મારી નાંખવાની ધમકી આપવી, ધાર્મિક જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું વગેરે આરોપો હેઠળ કાળો રંગ લગાવનાર હર્ષદ ગઢવી અને અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે કલમ 295-એ, 153-એ, 120-બી, 427 અને 506(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સાળંગપુરના કષ્ટભંજન મંદિરના વિવાદ મુદ્દે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ત્યારે આ મામલે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીએ કહ્યુ હતુ કે, ‘સમગ્ર સ્વામિનારાયણ પરંપરાના સંતો સનાતન પરંપરાનો ભાગ છે. આ વિવાદનો સુખદ અંત આવે તે માટે સૌ સંતોએ કષ્ટભંજન દેવના ચરણોમાં એકસૂરે પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાન અને સત્સંગના અગ્રણીઓ સાથે સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા-વિચારણા કરી ટૂંક સમયમાં નિર્ણય લેશે અને આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય લેશે.’ નોંધનીય છે કે, આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત RSSના રામ માધવ પણ મંદિરે પહોંચ્યા હતા. તો ગઢડા મંદિરના એસપી સ્વામી પણ બેઠકમાં જોડાયા હતા. આ ઉપરાંત વડતાલ મંદિરના સંતો પણ બેઠકમાં જોડાયા હતા. આશરે બેઠકમાં 3 કલાક જેટલો સમય ચર્ચા ચાલી હતી.