બોટાદ : બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું છે. બાબાની ગુજરાત મુલાકાત પહેલા રાજકીય પક્ષોમાં ફાંટા પડ્યા છે. કોઈ સમર્થનમાં તો કોઈ બાબાના વિરોધમાં છે. ગુજરાતના ચાર મહત્વના શહેરોમાં બાબાના દિવ્ય દરબાર યોજાવાના છે. એક બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રી નો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે બોટાદના સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ ધીરેન્દ્ર શાસ્ત્રી ને સમર્થન આપ્યું છે.
બાગેશ્ર્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રી ને લઈને વિવેક સાગર સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હું પણ હનુમાન ભક્ત છું અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હનુમાન ભક્ત છે. અમે કષ્ટભંજનદેવને પ્રાર્થના કરીએ કે બાગેશ્ર્વર ધામ સરકારના પીઠાધીશ્ર્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના આ કાર્યક્રમો સફળ થાય.
વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે, અત્યારે સત્ય સનાતન હિન્દુ ધર્મનો ડંકો વાગી રહ્યો છે. બાગેશ્ર્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજી મહારાજને લઈ દેશ-દુનિયામાં નીકળ્યા છે. ત્યારે તેમનો વિરોધ થાય તેના ઉપર ધ્યાન ન આપવું જોઈએ. બાગેશ્ર્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. વિરોધ કરનારને શંકા હોય તો તે પણ દરબારમાં જોડાઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા હોવાના સમાચાર સામે આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટથી તેમને ખુલ્લી ચેલેન્જો આપવામાં આવી રહી હતી. રાજકોટ વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રી ના કાર્યક્રમને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.