- ગોધરામાં ૧૦૮માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે
- ૧૨ વર્ષથી ૧૦૮ ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે
ગોધરા,
ગુજરાતમાં કોરોનાના કેસ થોડા દિવસથી ઘટી રહ્યા છે. કોરોના કાળમાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ આ દરમિયાન પાંચ દિવસમાં પરિવારના પાંચ સભ્યો કોરોનાનો કોળિયો બન્યા હોવા છતાં ૧૦૮ ટીમ પાયલોટ પ્રવીણભાઈ બારીયાએ ફરજ ઉપર હાજર થઈને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરૂ પાડ્યું છે
ગોધરામાં ૧૦૮માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. પ્રવીણભાઈ છેલ્લા ૧૨ વર્ષથી ૧૦૮ ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે.થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા હતા. પ્રવીણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા પિતાને ઈલાજ માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતા પિતાના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવા કાર્ય યથાવત રાખી. પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી દરમિયાન ૨૧ એપ્રિલના રોજ અવસાન પામ્યાં હતા. પ્રવીણભાઈને આ દુ:ખની ઘડીની કળ વળી નહોતી ત્યાં ૨૫ એપ્રિલના રોજ કોરોનાનો ઈલાજ કરાવી રહેલ માતા કમળાબેન તેમજ સગા કાકા-કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકો અવસાન પામ્યાં. એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનને લઇ પ્રવીણભાઈ પર આભ તૂટી પડ્યું હતું. પોતાના પિતાની ચિતા ઠંડી નહોતી થઈ ત્યાંજ કોરોનામા મૃત્યુ પાલ માતા અને સગા કાકા-કાકી તેમજ કાકાના દીકરાને ચિતા આપવાનો વારો આવ્યો હતો.
આટલા ટૂંકા ગાળામાં પોતાના પરિવારજનો ગુમાવનારના માથે આભ તૂટી પડ્ હતું, પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ ૧૦૮ ઇમર્જન્સી સેવાના પાયલોટ પ્રવીણભાઈએ માનવસેવા ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી ફરી ફરજ પર હાજર થઈ ગયા હતા. કોરોના મહામારીએ તેમના માતા-પિતા તેમજ પરિવારના અન્ય ત્રણ સભ્યોના જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમર્જન્સી સેવાના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તે માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાની ફરજ ઉપર હાજર થયા અને માવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.