સાંઈ બાબાના ભક્તો માટે સારા સમાચાર! શિરડીમાં માળા અને ફૂલ ચઢાવવા પરનો પ્રતિબંધ ટૂંક સમયમાં હટાવી લેવાશે

નાસિક,શિરડીના સાંઈ બાબાના ભક્તો માટે મોટા સમાચાર છે. હવે ટૂંક સમયમાં જ ફૂલ, માળા અને પ્રસાદ લાવવા પરનો પ્રતિબંધ દૂર થવા જઈ રહ્યો છે. એટલે કે સાંઈ ભક્તો હવે મંદિરમાં જતી વખતે માળા, ફૂલ અને પ્રસાદ લઈ શકશે. સાઈ સંસ્થાને આને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. હવે સાંઈ સંસ્થાન દ્વારા ભક્તોને સસ્તા દરે ફૂલો વેચવામાં આવશે. ખેડૂતો પાસેથી સીધા ફૂલોની ખરીદી કરીને મંદિર પરિસરમાં સાંઈ ભક્તોને ફૂલો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી એક તરફ સાંઈ ભક્તોની લૂંટ અટકશે તો બીજી તરફ ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળશે.

બે વર્ષ પહેલા સાંઈ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કોવિડના કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે આજ સુધી ચાલુ છે. આ પ્રતિબંધને કારણે શિરડીના સેંકડો ફૂલોના વેપારીઓ અને આસપાસના લગભગ ૪૦૦ એકર વિસ્તારમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને ભારે નુક્સાન થયું હતું. આઠ મહિના પહેલા મંદિરના પ્રવેશદ્વાર પર ખેડૂતો અને વેપારીઓએ પ્રતિબંધ હટાવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.

મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રીએ આ મામલે ઉકેલ શોધવા માટે તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં એક કવાયત સમિતિની રચના કરી હતી. સાંઈ ભક્તો પણ સતત માંગ કરી રહ્યા હતા કે તેમને માળા, ફૂલ અને પ્રસાદ ચઢાવવાની છૂટ આપવામાં આવે. આ તમામ બાબતોને યાનમાં રાખીને અભ્યાસ સમિતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો.

આ કમિટીના રિપોર્ટના આધારે હવે સાઈ સંસ્થાનની એડ-હોક કમિટીએ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. આ કારણે ફરી એકવાર સાંઈ બાબાને ફૂલ અને માળા અર્પણ કરી શકાય છે. સાઈ સંસ્થાને તેનો નિર્ણય મંજૂર કરાવવા માટે કોર્ટમાં સિવિલ એપ્લીકેશન દાખલ કરી છે. કોર્ટમાંથી પરવાનગી મળ્યા બાદ, કોરોના સમયગાળા દરમિયાન શરૂ થયેલ આ પ્રતિબંધ હટાવવામાં આવશે અને ભક્તોને ફરી એકવાર મંદિરની અંદર ફૂલ, માળા અને પ્રસાદ લઈને બાબાના ચરણોમાં પ્રસાદ ચઢાવવાની તક મળશે.