સાહિલ ખાનની પત્નીએ લગ્નના 1 વર્ષ બાદ ઇસ્લામ સ્વીકાર્યો:પત્ની મિલેના એલેક્ઝેન્ડ્રા પતિથી 26 વર્ષ નાની છે; ચાહકો ગુસ્સામાં, પૂછ્યું- શું તું પ્રેમ માટે ખ્રિસ્તી ધર્મ સ્વીકારીશ?

અભિનેતા અને ફિટનેસ આઇકોન સાહિલ ખાને 2001માં ફિલ્મસ્ટાઇલથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે શરમન જોશી પણ જોવા મળ્યો હતો. આ પછી તે ‘એક્સક્યુઝ મી’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો, જોકે તેને બોલિવૂડમાં રહેવાનો બહુ આનંદ ન આવ્યો અને સાહિલ પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ફિટનેસ તરફ વળ્યો.

સાહિલ હાલમાં એક જિમનો માલિક છે અને તેની પાસે ડિવાઇન ન્યૂટ્રિશન નામની કંપની પણ છે. સાહિલ હાલમાં કરોડોની સંપત્તિનો માલિક છે. તાજેતરમાં સાહિલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી હતી, જેમાં તે તેની બીજી પત્ની મિલેના એલેક્ઝાન્ડ્રા સાથે જોવા મળ્યો હતો. આ તસવીરોમાં એક્ટર પોતાની 4 કરોડની કિંમતની રોલેક્સ રેઈનબો પણ બતાવતો જોવા મળ્યો હતો. સાહિલને વૈભવી જીવન જીવવાનું ગમે છે. તસવીરમાં સાહિલે જે ઘડિયાળ પહેરી છે એ ગુલાબી સોનેરી રંગની છે અને એનું ડાયલ ડાયમંડથી બનેલું છે.

તસવીરમાં સાહિલ મિલેનાનો હાથ પકડીને બેઠો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે મિલેના સાહિલ કરતાં 26 વર્ષ નાની છે. તાજેતરમાં જ સાહિલે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેની પત્નીએ ઇસ્લામ સ્વીકારી લીધો છે. પત્ની સાથેનો ફોટો શેર કરતાં સાહિલે લખ્યું,- ‘મને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે મારી પત્ની મિલેના એલેક્ઝાન્ડ્રાએ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો નિર્ણય લીધો છે. આ સુંદર યાત્રા માટે અમે અલ્લાહનો આભાર માનીએ છીએ. અલ્લાહ અમને માફ કરે અને અમારી દુઆ કબૂલ કરે.

નોંધનીય છે કે સાહિલ 48 વર્ષનો છે, જ્યારે મિલેના માત્ર 21 વર્ષની છે. તેની અને તેની પત્ની વચ્ચે 26 વર્ષનો ઉંમરનો તફાવત છે. મિલેના યુરોપના બેલારુસથી છે. આ એક્ટરના પહેલા લગ્ન નિગાર ખાન સાથે થયા હતા. 2003માં નિગાર સાથે લગ્ન કર્યા બાદ 2005માં તેના છૂટાછેડા થઈ ગયા.

યુઝર્સે સાહિલ પર પ્રહાર કર્યા- શું પ્રેમ માટે ઇસ્લામ સ્વીકારવો જરૂરી છે? સાહિલ ખાનની આ પોસ્ટ જોઈને કેટલાક લોકોએ તેમને અભિનંદન આપ્યાં, તો ઘણા યુઝર્સે અભિનેતાની આકરી ટીકા કરી. એક યુઝરે ટિપ્પણી કરી, ‘જો તે તમને આટલો પ્રેમ કરે છે તો પછી તેને ઇસ્લામ સ્વીકારવાની શી જરૂર છે?’ જો તમે ખરેખર તેને પ્રેમ કરો છો તો શું તમે ખ્રિસ્તી ધર્મ સ્વીકારશો નહીં? અભ્યાસ અને સંશોધન કર્યા વિના ઇસ્લામ સ્વીકારવાનો શું ફાયદો? અને જો તમારા બંને વચ્ચે મજબૂત બંધન હોય તો ફક્ત લગ્ન માટે જ ઇસ્લામ નહીં, પણ કોઈપણ ધર્મ અપનાવવાનો શું ફાયદો? ગમે તે હોય, હું સાહિલ ભાઈને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવું છું.’