શહેરા,
શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે. તો બીજી તરફ કેનાલનું પાણી ખેતરોમાં પણ આવી જતા ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે. જોકે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે કેનાલ ઓવરફલો થઈ હોવાનું સામે આવ્યું છે.
પાનમ સિંચાઇ કેનાલ મારફતે ખેડૂતોને ત્રણેય સિઝનમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે, પરંતુ આ કેનાલ ખેડૂતો માટે આશીર્વાદની સાથેસાથે અભિશાપ પણ સાબિત થતી રહી છે. દર વર્ષે આ કેનાલમાં લીકેજ થવું, ગાબડા પડવા, કેનાલમાં સાફ સાફાઈનો અભાવ, કેનાલ ઓવરફલો થવી જેવી અનેક સમસ્યાઓનો સામનો ખેડૂતોને કરવો પડે છે. અને આજ પ્રકારની ઘટના હાલમાં બનવા પામી છે, શહેરા તાલુકાના ધાયકા ગામ પાસેથી પસાર થતી પાનમની મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી પાણી કેનાલની બહાર નિકળ્યુ અને આસપાસના ખેતરો તેમજ કોતરોમાં વહી ગયુ હતુ.કેનાલ ઓવરફલો થવાને કારણે બહાર આવેલા પાણીથી ખેતરમાં રહેલા ઘઉં,મકાઈ તેમજ ડાંગરના ઉભા પાકને નુકશાન થવા પામવા સાથે ઘાસચારાને પણ નુકશાન પહોંચ્યું હતું. જયારે ભારે માત્રામાં વહી રહેલા પાણીને લઈને કેનાલની બાજુમાં આવેલ જમીનનું પણ ભારે ધોવાણ થવા પામ્યું છે.
જ્યારે પાનમ સિંચાઈ વિભાગ દ્વારા પાનમ મુખ્ય કેનાલ મારફતે આગામી ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે પાછળનું કારણ છે કે પાનમ ડેમમાં ગત ચોમાસાની સિઝનમાં ઓછો વરસાદ થવાને લઈને પાણીનો સંગ્રહ ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૫૨% જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. જે ખુબ જ ઓછો છે. ત્યારે પાનમ વિભાગની જ બેદરકારીને લઈને પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવા પામી અને હજારો લીટર પાણી કોતર અને ખેતરોમાં વેડફાઈ જવા પામ્યું ત્યારે સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છેકે પાનમ વિભાગ દ્વારા જો આમ જ પાણીનો વેડફાટ કરવામાં આવતો હોય તો તેની જગ્યાએ ખેડૂતોને આગામી ઉનાળાની સિઝનમાં સિંચાઈનું પાણી આપવામાં આવે.
પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવા પાછળ પણ પાનમ સિંચાઈ વિભાગ જ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે, સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં ડીસિલ્ટીગની કામગીરી કરવામાં જ ના આવી જેને લઈને કેનાલમાં શેવાળ થઈ જવાને લીધે કેનાલ ઓવરફલો થઈ. સિંચાઈ વિભાગ દ્વારા ઓવરફલો થતા પાણીને અટકાવવા માટે માટીના પાળા બનાવવાની કામગીરી શ કરવામાં આવી હતી. તો બીજી તરફ સતત વહી રહેલા પાણીને લીધે જમીનના થયેલા ધોવાણની પણ મરામત કરવાની કામગીરી શ કરવામાં આવી હતી