વાંકાનેર, વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી મધ્યપ્રદેશના રહેવાસી ઇસમેં સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરા ગર્ભવતી બની હતી જે બનાવ મામલે પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
૨૦-૦૧-૨૦૧૭ ના રોજ વાંકાનેરના ગ્રામ્ય પંથકની ફેકટરીમાં મજુરી કરતા પરિવારની ૧૪ વર્ષની સગીર વયની દીકરીને આરોપી વિશાલ ઉર્ફે બંટી મહેશ સૂર્યવંશી (ઉ.વ.૨૪) રહે મધ્યપ્રદેશ વાળો અપહરણ કરી લઇ ગયો હોય અને આરોપી વિશાલે સગીરા સાથે અવારનવાર જાતીય હુમલો કરતા ભોગ બનનારને ચૌદ અઠવાડિયાનો ગર્ભ રહી જતા બનાવ મામલે ભોગ બનનારના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
જે કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય દવે અને મદદનીશ સરકારી વકીલ નીરજ કારીઆ દ્વારા ૧૧ મૌખિક પુરાવા અને ૪૯ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્વારા આરોપી વિશાલ સૂર્યવંશીને ક્સુરવાન ઠેરવી આઈપીસી ૩૬૩ ના ગુનામાં ૫ વર્ષની સજા અને રૂ ૫૦૦૦ નો દંડ, આઈપીસી ૩૬૬ ના ગુનામાં ૭ વર્ષની સજા અને રૂ ૭૦૦૦ નો દંડ ફટકાર્યો છે.
તેમજ આઈપીસી કલમ ૩૭૬ (૨) (એચ) (આઈ) (એમ) ની સાથે વાંચતા પોક્સો એક્ટની કલમ ૩ (એ), ૪ મુજબના ગુન્હામાં તક્સીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ નો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે આમ સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને કુલ રૂ ૩૨,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.