
મહેસાણા રેલવે સ્ટેશન પર એક પરપ્રાંતીય સગીરાને વગર ટિકિટે મુસાફરી કરતા રેલવે ટિકિટ ચેકર (TC) દ્વારા રોકવામાં આવી હતી. સગીરાને રેલવે પોલીસને સોંપવામાં આવી હતી, જ્યાં તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા વ્યક્તિગત હકીકત સામે આવી હતી. તે હરિયાણાથી પ્રેમીને મળવા માટે ગુજરાત આવતી હતી. જોકે, 181 અભયમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર પાસે પરત જવા સમજાવી હતી.
સગીરાની કાઉન્સેલિંગ અને હકીકત રેલવે પોલીસે તાત્કાલિક મહિલા હેલ્પલાઇન 181 અભયમની ટીમને બોલાવી સગીરાનું કાઉન્સેલિંગ કરાવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે સગીરા હરિયાણાની રહેવાસી છે અને તે પોતાના ફોઈના ગામના એક યુવક સાથે પ્રેમમાં હતી. તેના પરિવારજનો તેને અન્ય યુવક સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા, જેના કારણે તે પોતાના પ્રેમીને મળવા ગાંધીધામ જવા નીકળી ગઈ હતી.
સગીરા પાસે પૈસા ન હોવાથી તે રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરી રહી હતી. રેલવે પોલીસ દ્વારા તેના પરિવારને દીકરી મહેસાણામાં મળી આવી હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તેને લેવા માટે તરત જ રવાના થયા હતા. આ દરમિયાન સગીરાને મહેસાણામાં આશ્રય ગૃહમાં રાખવામાં આવી હતી.
પ્રેમી સાથે કાયદાકીય સમજાવટ સગીરાના પ્રેમીને પણ મહેસાણા બોલાવવામાં આવ્યો હતો. બંનેને કાયદાકીય બાબતો અને તેમના પગલાંના પરિણામો અંગે સમજાવવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ બંનેને અલગ કરવામાં આવ્યા હતા.
સગીરાના પરિવારજનો, જે તેની શોધખોળમાં લાગ્યા હતા, મહેસાણા પહોંચ્યા અને સગીરાને ઘરે લઈ ગયા હતા. આ ઘટનાએ પરિવાર અને સગીરાને કાયદાકીય અને સામાજિક મહત્વની સમજણ આપી હતી. આ બનાવમાં રેલવે પોલીસ અને મહિલા હેલ્પલાઇનની સતર્કતા અને માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવવું એ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.