- છ માસથી બળી ગયેલ વીજ ડી.પી ની ખેડૂતો દ્વારા કરવામાં આવતી રજૂઆત પ્રત્યે ફતેપુરા એમ.જી.વી.સી.એલ બેદરકારી દાખ વતું હતું.
- સમાચાર પત્રોમાં વીજ ડી.પી બાબતે સમાચારો પ્રસિદ્ધ થતા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ.
ફતેપુરા, ફતેપુરા તાલુકામાં એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે. તેમજ કેટલીક જગ્યાઓ ઉપર વીજ ગ્રાહકોના પ્રશ્ર્નો પ્રત્યે દિવસો કે મહિનાઓ સુધી ધ્યાન નહીં આપી મનસ્વી વહીવટ ચલાવાઇ રહ્યો હોવાની બૂમો ઊઠવા પામેલ છે. જેમાં માનાવાળા બોરીદા ગામે છેલ્લા છ માસથી ત્રણ એગ્રીકલ્ચર વિજ લાઈનની વીજ ડી.પીઓ બળી જતાં તેની ફતેપુરા કચેરીમાં અનેકવારની લેખિત મૌખિક રજૂઆતો કરતા ઉડાઉ જવાબ આપી ગ્રાહકોની રજૂઆત પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતા હતા. પરંતુ આજરોજ સમાચાર પત્રોમાં સમાચારો પ્રસિદ્ધ તથા સફાળા જાગેલા ફતેપુરા એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવીન વીજ ડી.પી ઓ બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા ગામે છેલ્લા છ માસથી એગ્રીકલ્ચર વીજ લાઈનની ત્રણ વીજ ડી.પી.ઓ. બળી જતા એગ્રીકલ્ચર વીજ લાઈન બંધ હતી. જેના લીધે ખેડૂતોના રવિ સિઝનના તથા હાલ ઉનાળાની સિઝનના ખેતી પાકો નિષ્ફળ જતા હજારો રૂપિયા નુકસાન થવા પહોંચ્યું હતું.જ્યારે આ વીજ ડી.પી.ઓ બેસાડી આપવા એગ્રીકલ્ચર વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોએ ફતેપુરા એમ.જી.વી.સી.એલ. તંત્રના જવાબદારોને અનેકવાર રજૂઆતો કરવા છતાં વીજ ડી.પી.ઓ વડોદરાથી આવશે. ત્યારે તમને બેસાડી આપીશું તેવા ઉડાઉ જવાબો આપી છ માસ સુધી ધ્યાન આપ્યું ન હતું. જ્યારે આજરોજ સમાચાર પત્રોમાં આ વિજ ડી.પી.ઓ બાબતે તેમજ વહીવટી તંત્રની કામગીરી બાબતે સમાચારો પ્રસિદ્ધ થતા સફાળા જાગેલા એમ.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે માનાવાળા બોરીદામા નવીન વીજ ડી.પી. ઓ બેસાડવાની કામગીરીની શરૂઆત કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.